આ શિરસ્તો આજકાલથી શરૂ નથી થયો, પણ છેલ્લાં દસ વર્ષથી ચાલી રહ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લાના એક ગામમાં રહેતો બાવન વર્ષનો મસ્કા ગોપી નામનો માણસ રિક્ષા ચલાવવાનું કામ કરે છે. નવાઈની વાત એ છે કે તે રોજ રિક્ષામાં પોતાની મમ્મીને પણ સાથે લઈને નીકળે છે. આ શિરસ્તો આજકાલથી શરૂ નથી થયો, પણ છેલ્લાં દસ વર્ષથી ચાલી રહ્યો છે. વાત એમ છે કે પિતાના અવસાન પછી મા સત્યવતી માનસિક રીતે સાવ ભાંગી પડી છે. માનસિક અસ્વસ્થ માને ઘરે એકલી મૂકીને ગોપી રિક્ષા ચલાવવાનું જોખમ લેવા નથી માગતો. એને કારણે તેણે ઑટોમાં જ મમ્મીને બેસાડીને કામે જવાનું શરૂ કર્યું છે. મા પાછળની સીટ પર બેસતી હોવાથી ઘણા મુસાફરો તેની સાથે બેસીને સફર કરવાની ના પાડી દે છે તો એમાં પણ ગોપીને વાંધો નથી. તેનું કહેવું છે કે જે મુસાફર મારી મા સાથે બેસીને સફર ન કરી શકે તેની સવારી પણ મારે નથી લેવી. જોકે હવે તો આસપાસનાં ગામોના લોકો તેને ઓળખી ગયા છે અને દીકરાની માતૃભક્તિને નમન કરી રહ્યા છે.


