ઠંડીના દિવસોમાં ગરમાહટ આપે એ માટે રોજેરોજ તેમને પંચમેવાયુક્ત ખીચડીનો ભોગ ધરવામાં આવે છે
મૂર્તિ
વૃંદાવનમાં શ્રીહિત હરિવંશ મહાપ્રભુના ઠાકુર રાધાવલ્લભલાલજીનો શિયાળાની સીઝનમાં ખીચડી ઉત્સવ ચાલી રહ્યો છે. ઠંડીના દિવસોમાં ગરમાહટ આપે એ માટે રોજેરોજ તેમને પંચમેવાયુક્ત ખીચડીનો ભોગ ધરવામાં આવે છે. લગભગ એક મહિનો ચાલનારા આ ખીચડી ઉત્સવમાં ઠાકુરજી રોજ કોઈક નવા જ સ્વરૂપે દર્શન દે છે. આ પ્રથાને છદ્મસ્વરૂપ દર્શન કહેવાય છે. ક્યારેક ભોલેનાથ બની જાય છે તો ક્યારેક ગોવાળ, ક્યારેક પનિહારી બનીને ભક્તોને દર્શન આપે છે. જોકે આ વખતે ઠાકુરજીએ ક્રિકેટરસિકોને ખુશ કરી દીધા છે. મંગળા આરતીમાં જ્યારે ઠાકુરજીનાં પટ ખૂલ્યાં તો સૌ અચંબિત રહી ગયા હતા. લીલાધરે મસ્ત ક્રિકેટર બનીને દર્શન આપ્યાં હતાં. હાથમાં વિકેટકીપિંગનાં ઊનનાં ગ્લવ્ઝ પહેર્યાં હતાં અને થોડેક આગળ ત્રણ સ્ટમ્પ્સ પણ હતાં.


