ટીનેજર જે છોકરા સાથે લગ્ન કરાવવાની જીદ કરી રહી હતી એ ઑલરેડી પરણેલો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના રુપઈહીડા ગામમાં એક નકામા પડેલા મોબાઇલ ટાવર પાસે બુધવારે આખું ગામ એકઠું થઈ ગયું હતું. પોતાની જીદ મનાવવા માટે યુવકો-યુવતીઓ ટાવર પર ચડી જાય છે એવો જ કિસ્સો હતો. જોકે આ વખતે ૧૭ વર્ષની છોકરીની ડિમાન્ડ વિચિત્ર હતી. ટીનેજર જે છોકરા સાથે લગ્ન કરાવવાની જીદ કરી રહી હતી એ ઑલરેડી પરણેલો હતો અને તેને બે સંતાનો પણ છે. છેલ્લા એક મહિનાથી તે આ યુવક સાથે પ્રેમમાં હતી એવું તેની મમ્મીનું કહેવું છે. મમ્મીએ જ્યારે તેને પેલા યુવકને મળતાં રોકી તો તેણે મોબાઇલ ટાવર પર ચડીને પોતાનો પ્રેમ જગજાહેર કરી લીધો હતો. જોકે આ કેસમાં પેલો યુવક એટલો ગંભીર જણાતો નહોતો. બે કલાકના ડ્રામા પછી પોલીસે તેને ફોસલાવીને નીચે ઉતારી હતી. તે હજી પુખ્ત ન હોવાથી પરિવારજનો તેને સમજાવીને અને બીજા ગામ મોકલીને તેને વાળી લેવાનો પ્રયત્ન કરશે.
