ઘરના એક છેડે બે જણ આવીને ઊભા રહે તો ઘર એ તરફ એટલું ઢળી જાય કે લાગે કે હમણાં જ ધરતીને અડી જશે
૪૨ ફુટ લાંબું અને આઠ ફુટ પહોળું આ ઘર ખરેખર ઝૂલતું ઘર છે
અમેરિકાના ન્યુ યૉર્કમાં એક પોલ પર અનોખું ઘર બન્યું છે. ૪૨ ફુટ લાંબું અને આઠ ફુટ પહોળું આ ઘર ખરેખર ઝૂલતું ઘર છે. એમાં રહેતા લોકો ઘરમાં જે તરફ હરફર કરે એ તરફ આ ઘર પણ ઝૂકે છે. ઘરના એક છેડે બે જણ આવીને ઊભા રહે તો ઘર એ તરફ એટલું ઢળી જાય કે લાગે કે હમણાં જ ધરતીને અડી જશે. પણ જો બન્ને તરફ એક-એક કે બે-બે લોકો ઊભા રહે તો ઘર જાણે ત્રાજવાની જેમ સંતુલન જાળવતું હોય એમ ઊભું રહે છે. જોકે આવા ઘરમાં રહેવાનું કેમનું ફાવે? સૂતી વખતે આમથી તેમ ડોલતું ઘર કઈ રીતે શાંતિની ઊંઘ આપે? એ તો ઠીક, કિચનમાં કામ કરતી વખતે કેટલી ઢોળફોળ થતી હશે? જો આવા સવાલો થતા હોય તો કહી દઈએ કે આ રોજિંદા વપરાશમાં આવતું ઘર નથી. આ ઇન્ટરનૅશનલ આર્ટ્સ સેન્ટર માટે આર્કિટેક્ચરના નમૂના તરીકે તૈયાર કરાયેલું ઘર છે જેમાં સ્કલ્પ્ચર, શેલ્ટર અને અંદરની ચીજોના વજન મુજબ સંતુલન જાળવીને એક થાંભલા પર સંતુલિત રહે એવા ઘરનો નમૂનો છે. આવું ઘર ડિઝાઇન કરવું એ પણ એક કળા છે અને એને આમથી તેમ ડોલતું જોવું એ રોચક છે. આર્ટિસ્ટ ઍલેક્સ શ્વેડરે ખાસ ટેક્નિકથી બનાવેલું આ ઘર આર્કિટેક્ચરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.


