કોર્ટે પુરાવાઓના અભાવે અરુણા કુમારીની સજા રોકીને તેને જામીન આપી દીધા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બિહારના ઉંદરડાઓ હવે ચલણી નોટો પણ ખાઈ જઈ રહ્યા છે. આ હકીકતમાં સાચું હોય કે ન હોય, પરંતુ બિહાર પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આવો દાવો જરૂર કરવામાં આવ્યો છે. આ કેસ બિહારની મહિલા અધિકારી અરુણા કુમારી સાથે સંકળાયેલો છે. તેના પર ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. તપાસ દરમ્યાન લાંચમાં લેવાયેલી રકમ પોલીસમાં જમા થઈ હતી. પોલીસે એ નોટો માલખાનામાં જમા કરી દીધી હતી. જોકે જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે એ જ નોટ કોર્ટમાં રજૂ કરી શકાય એવી રહી નહોતી. પોલીસનું કહેવું હતું કે માલખાનામાં રાખેલી નોટો ઉંદરો કાતરી ગયા હતા. માલખાનાના રજિસ્ટરમાં એ રકમ જમા થયાનો રેકૉર્ડ હતો, પરંતુ એ પછી નોટો ક્યાં ગાયબ થઈ ગઈ એની કોઈને જાણ નથી. ખાસ્સા લાંબા ગાળા પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે લાંચમાં લેવાયેલી નોટો ઉંદરો ખાઈ ગયા એ વાત બહાર આવી હતી. કોર્ટે પુરાવાઓના અભાવે અરુણા કુમારીની સજા રોકીને તેને જામીન આપી દીધા છે.
