Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મનોરંજનના સ્થળને કબ્રસ્તાન બનાવ્યું પૈસાની લાલચ અને ગેરવહીવટે

મનોરંજનના સ્થળને કબ્રસ્તાન બનાવ્યું પૈસાની લાલચ અને ગેરવહીવટે

Published : 09 May, 2026 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેસ્કોની કૉન્સર્ટના ડ્રગ્સકાંડમાં કોર્ટે આયોજકોના જામીન નામંજૂર કરીને ફટકાર લગાવતાં કહ્યું...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત મ્યુઝિક કૉન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે વિદ્યાર્થીઓનાં મોતના કેસમાં વિશેષ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) કોર્ટે આયોજકો સહિત ૪ આરોપીઓની જામીન અરજી ફગાવતાં કહ્યું હતું કે પૈસાની લાલચ અને કાર્યક્રમના અત્યંત ખરાબ સંચાલનને કારણે નિર્દોષ યુવાનોના જીવ ગયા છે.

સ્પેશ્યલ જજ યુ. સી. દેશમુખે આદેશમાં નોંધ્યું હતું કે આયોજકોએ કાર્યક્રમમાં નશીલા પદાર્થો કે દારૂને રોકવાની જવાબદારી નિભાવી નહોતી. ઘટનાસ્થળેથી દારૂની ખાલી બૉટલો મળી આવવી એ સાબિત કરે છે કે વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું. કોર્ટે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આયોજકોની બેદરકારી અને નફાખોરીની વૃત્તિએ મનોરંજનના સ્થળને બે વ્યક્તિઓના કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યું છે.

૧૧ એપ્રિલે યોજાયેલી ટેક્નો મ્યુઝિક કૉન્સર્ટમાં MBAના બે વિદ્યાર્થીઓનાં ડ્રગ્સના ઓવરડોઝથી મોત થયાં હતાં, જ્યારે અન્ય કેટલાકને હૉસ્પિટલ લઈ જવાયા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે આયોજકો સની જૈન અને બાલકૃષ્ણન કુરૂપ તેમ જ ડ્રગ્સ વેચનાર વિદ્યાર્થીઓ પ્રતીક પાંડે અને રૌનક ખંડેલવાલ આ દુર્ઘટના માટે જવાબદાર છે.

કોર્ટે જણાવ્યું હતું કે તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે અને જો આરોપીઓને જામીન આપવામાં આવશે તો તેઓ સાક્ષી સાથે ચેડાં કરી શકે છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સાપરાધ મનુષ્યવધ તેમ જ NDPS ઍક્ટ હેઠળ ગંભીર કલમ લગાડવામાં આવી છે. આ ચુકાદો મુંબઈમાં વધતી જતી કૉન્સર્ટ સંસ્કૃતિ અને એમાં થતા નશીલા પદાર્થોના દૂષણ સામે લાલ આંખ સમાન માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK