સાઉથ કોરિયાની ફાઇન-ડાઇન રેસ્ટોરાંમાં ડિઝર્ટ પર કીડીઓ પીરસવાના મામલે ફૂડ-સેફ્ટી વિભાગે કાર્યવાહી કરી છે. રેસ્ટોરાંને ભારે દંડ ફટકારાયો છે અને માલિકને એક વર્ષની જેલની સજાનો સામનો કરવો પડી શકે છે.
ડિઝર્ટ પર સજાવટ તરીકે કીડીઓ ભભરાવનારી ફાઇન-ડાઇન રેસ્ટોરાંના માલિકને થઈ ૧ વર્ષની જેલ
સાઉથ કોરિયાની એક ફાઇન-ડાઇન રેસ્ટોરાંમાં વાનગી પર કીડીઓ સજાવટ તરીકે ભભરાવવામાં આવતી હતી. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ગ્રેડ ધરાવતા મિશેલિન-સ્ટાર શેફ દ્વારા આ વાનગી બની હતી. જોકે આ શેફને ખ્યાલ ન રહ્યો કે સાઉથ કોરિયામાં કીડીઓને માણસોના ખોરાક માટે યોગ્ય માનવામાં નથી આવતી. સાઉથ કોરિયામાં માત્ર ૧૦ ઇન્સેક્ટ પ્રજાતિઓ જ માણસો ખાઈ શકે છે. આ રેસ્ટોરાંના ૧૫-કોર્સના મેનુમાં શરબત અને અન્ય ડિઝર્ટ પર ટૉપિંગ તરીકે કીડીઓ ભભરાવવામાં આવતી હતી. આ વાનગીઓની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં આ બાબતે સ્થાનિક ફૂડ ડિપાર્ટમેન્ટે વાંધો લીધો હતો. એ વખતે માલિકનું કહેવું હતું કે આ ટૉપિંગ્સ ઑપ્શનલ છે. ગ્રાહક માગે તો જ તેમને કીડીઓ આપવામાં આવતી હતી. જોકે રેકૉર્ડ તપાસતાં ખબર પડી કે લગભગ ૭૫ ટકા ગ્રાહકો કીડીઓ ખાવાની હા પાડે છે.
ફૂડ-સેફ્ટી ડિપાર્ટમેન્ટે શોધ્યું હતું કે આ કીડીઓમાં અન્ય કીડીઓની સરખામણીએ વધુ મેટલ કન્ટેન્ટ હોય છે જે માણસ માટે નુકસાન કારક હોઈ શકે છે. વળી, આ રેસ્ટોરાં વ્યંજનો માટે અમેરિકા અને થાઇલૅન્ડથી કીડીઓની આયાત કરે છે. આ મામલે કેસ નોંધીને સાઉથ કોરિયાના ફૂડ-સેફ્ટી ડિપાર્ટમેન્ટે રેસ્ટોરાંને ૨૦ મિલ્યન વૉન એટલે કે લગભગ ૧૩ લાખ રૂપિયા જેટલો દંડ કર્યો હતો. આ મામલે હજી રેસ્ટોરાંના માલિકને ૧ વર્ષની જેલ પણ થઈ શકે છે જેના પર હજી સુનવણી ચાલશે.
