શિવરાજ સિંહ ચૌહાણે રાત્રે ૮ વાગ્યે રાજકોટથી ફ્લાઇટ પકડવાની હતી અને ખરાબ રસ્તાની સ્થિતિને કારણે તેઓ ઉતાવળમાં હતા.
શિવરાજ સિંહ ચૌહાણ, પત્ની સાધના સિંહ
શનિવારે કેન્દ્રીય કૃષિપ્રધાન અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સાથે ઉતાવળમાં એક વિચિત્ર ઘટના બની હતી. તેઓ તેમનાં પત્ની સાધના સિંહ સાથે ગુજરાતના સત્તાવાર પ્રવાસે હતા. શનિવારની ગુજરાતની સત્તાવાર મુલાકાતમાં તેમણે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી. શિવરાજ સિંહ ચૌહાણે રાત્રે ૮ વાગ્યે રાજકોટથી ફ્લાઇટ પકડવાની હતી અને ખરાબ રસ્તાની સ્થિતિને કારણે તેઓ ઉતાવળમાં હતા. એને લીધે તેઓ તેમનાં પત્ની સાધના સિંહને જૂનાગઢમાં છોડીને કાફલા સાથે રાજકોટ જવા નીકળી ગયા હતા. ૧૦ મિનિટ સુધી પ્રવાસ કર્યા બાદ જ્યારે તેઓ થોડે દૂર પહોંચ્યા ત્યારે તેમને યાદ આવ્યું કે પત્ની તેમની સાથે નથી. પછી તેમણે તરત જ તેમને ફોન કર્યો અને બાવીસ ગાડીના આખા કાફલા સાથે તરત જ યુ-ટર્ન લીધો હતો અને જૂનાગઢ પહોંચ્યા હતા. સાધના સિંહ ગીરની મુલાકાત લીધા પછી પતિની રાહ જોતા વેઇટિંગ-રૂમમાં બેઠાં હતાં.


