મહિલાનો દાવો છે કે દાઝવાને કારણે તેણે પોતાનું આખું વેકેશન કૅન્સલ કરવું પડ્યું અને તેને ખૂબ નુકસાન થયું એટલું જ નહીં, સારવાર માટેનો ખર્ચ અને હાડમારી અલગથી
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૪ના એપ્રિલમાં ૭૮ વર્ષની એક મહિલાએ કોપનહેગનથી ઑસ્લો જવા માટે સ્કેન્ડિનેવિયન ઍરલાઇનમાં બુકિંગ કરાવ્યું હતું. તે ઘણા લાંબા સમય પછી પતિ સાથે લાંબી છુટ્ટી પર જઈ રહી હતી અને તેણે લાંબી ક્રૂઝ અને પછી હિલ સ્ટેશન પર લાંબી રજાઓ પ્લાન કરી હતી. જોકે જેવી તે પોતાના ઘરેથી નીકળી અને ઑસ્લો જવા માટે પ્લેનમાં બેઠી ત્યાં જ તેની સાથે એક હાદસો થયો. ઍર-હૉસ્ટેસ તેને કૉફી સર્વ કરી રહી હતી ત્યારે જ ગરમાગરમ કૉફી તેની જાંઘ પર પડી હતી. એ કૉફી એટલી ગરમ હતી કે કપડાંની અંદર જઈને ચામડીને લાગતાં તે દાઝી ગઈ. મહિલાનો દાવો છે કે દાઝવાને કારણે તેણે પોતાનું આખું વેકેશન કૅન્સલ કરવું પડ્યું અને તેને ખૂબ નુકસાન થયું એટલું જ નહીં, સારવાર માટેનો ખર્ચ અને હાડમારી અલગથી. આ બધાં કારણ આપીને બહેને સ્કેન્ડિનેવિયન ઍરલાઇન સામે ૧૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૮૬ કરોડ રૂપિયાના વળતરનો દાવો ઠોકી દીધો છે. હજી તેને આ રકમ મળી નથી, પરંતુ આ મુદ્દે એક વર્ષ પછી પણ કેસ ચાલી રહ્યો છે.


