સંસ્કૃતને માત્ર ભૂતકાળની ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને મૂળિયાં તરીકે સમજવાની જરૂર છે. બોલચાલમાં સંસ્કૃતને સ્થાન આપી નવી પેઢીને ભાષા અને પરંપરા સાથે જોડવાનો સંદેશ.
ઈશ્વર પુરોહિત
જેની પાસે જે હોય તે એની જ વાત કરે અને અત્યારે મારી પાસે સંસ્કૃત સિવાયના કોઈ વિષયની વાત નથી અને જે રીતે સંસ્કૃતની પ્રભાવકતાના રિયલ દાખલાઓ મેં મારા જીવનમાં જોયા છે એ પછી તો એ વિષય છોડીને બીજા કોઈ વિષય પર વાત કરવી મને ગમશે પણ નહીં. આપણે ત્યાં સંસ્કૃતને દેવભાષા કહી, એમાં પાછું અઘરું વ્યાકરણ ઉમેરીને સામાન્ય વ્યક્તિથી એ ભાષાને જાણે દૂર કરી દેવામાં આવી. સંસ્કૃત ભાષા નથી પણ આપણાં મૂળિયાં છે. મૂળિયાં વિનાનું થડ ઢળી પડે અને એ જ આજે થઈ રહ્યું છે. લોકોમાં ઊંડાણ નથી અને એ જ અસ્થિરતા નાનાં બાળકોથી લઈને વડીલ સુધીના લોકોમાં જોવા મળી રહી છે. ગુણાંક-આધારિત શિક્ષણવ્યવસ્થાએ ધીમે-ધીમે લોકોના જીવનમાંથી સંસ્કૃતની બાદબાકી કરી નાખી અને એનું બહુ જ મોટું દુષ્પરિણામ સમાજમાં દેખાવાનું શરૂ થયું એ છે ઇનસ્ટેબિલિટી, અસ્થિરતા. લોકો જડ વિનાના થડ જેવા થતા ગયા.
સંસ્કૃત ભાષાને લોકો ભૂતકાળ તરીકે જુએ છે, પણ એ જ સંસ્કૃત ભાષામાં દુનિયાના દેશોને એટલું પોટેન્શિયલ દેખાયું કે ત્યાં ફરિજિયાત વિષય તરીકે એને ભણાવવામાં આવે છે. કમનસીબી એમાં સંસ્કૃતની છે કે આપણી? તમે જ જાતે જવાબ આપો. એના જેટલી એકેય વૈજ્ઞાનિક ભાષા કોઈ છે જ નહીં. જુદા-જુદા અક્ષરોનાં ઉચ્ચારણો તમારી ઓરલ એક્સરસાઇઝનું કામ કરી શકે. એનાથી જે ધ્વનિતરંગો ઉત્પન્ન થાય છે એ ધ્વનિતરંગોથી આવતો બદલાવ દુનિયાના દેશોના વૈજ્ઞાનિકો સમજી ચૂક્યા છે, પણ આપણા અંગ્રેજી પાછળ દોડી રહેલા વડીલોને એ નથી સમજાતું. તમે જ મને કહો કે એમાં કમનસીબી કોની? એ વડીલોની કે સંસ્કૃતની? હું સંસ્કૃત શીખવવા માટે ગામેગામ ફર્યો છું. સરળ રીતે સંસ્કૃતને બોલચાલનો હિસ્સો કેમ બનાવી શકાય એના પર જ્યારે સેશન્સ લઉં છું અને વિદ્યાર્થીઓના પહેલા અને પછીના બદલાવોને નોંધું છું ત્યારે પોતે જ અંજાઈ જાઉં છું. સંસ્કૃતનો મહિમા શબ્દોમાં ગાઈ શકું એમ નથી. જેમ આ ભાષાને તમે શીખો કે ન શીખો એનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ સંસ્કૃત નહીં શીખીને તમે સંસ્કરણ અને સંસ્કૃતિથી વંચિત રહી ગયા છો અને જો તમારાં સંતાનોને નહીં શીખવો તો તેઓ પણ રહી જશે.
હું બધા વાલીઓને કહીશ કે હજી પણ મોડું નથી થયું. હજીયે સમય છે જાગી જાઓ. હજીયે થોડાક સતર્ક થઈને પ્રયાસ કરો અને બોલચાલમાં ધીમે-ધીમે સંસ્કૃતને સ્થાન આપો. પહેલાં તમે શીખો. આજે સરળ સંસ્કૃત શીખવવાના વર્ગો ઠેર-ઠેર શરૂ થયા છે. સ્પોકન ઇંગ્લિશની જેમ સ્પોકન સંસ્કૃતની દિશામાં પણ ભરપૂર કામ થયું છે. થોડીક શોધ કરીને પહેલાં પોતે સંસ્કૃત શીખો અને પછી તમારાં સંતાનોને શીખવો. તમારા બધા જ પ્રાચીન ગ્રંથો સંસ્કૃતમાં છે અને જો એને સાચી રીતે સમજવા હશે તો આ ભાષા આવડવી જોઈએ. એના ઉચ્ચારણના અન્ય વૈજ્ઞાનિક લાભો વિશે તો જેટલી વાત કરો એટલી ઓછી છે.
-ઈશ્વર પુરોહિત
