અંજુના ઘરવાળાને રેણુ તેમને ત્યાં રહે એમાં કોઈ વાંધો નથી. પોલીસે પણ કહી દીધું છે કે બન્ને પુખ્ત છે અને તેઓ સાથે રહેવા ઇચ્છે તો એમાં પોલીસ કશું કરી શકે એમ નથી.
અંજુ અને રેણુ
રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં રેણુ નામની એક મહિલા લગ્નનાં પાંચ વર્ષ પછી પોતાના પતિનું ઘર છોડીને મેનપુરા ગામમાં રહેતી અંજુ સાથે રહેવા આવી ગઈ છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે રેણુનાં પિયરિયાંએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેની એક સહેલી રેણુને ભગાવીને લઈ ગઈ છે. વાત એમ છે કે રેણુનાં પાંચ વર્ષ પહેલાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેને ચાર વર્ષનો દીકરો છે. લગ્ન પછી થોડા જ સમયમાં તેનો પતિ દારૂ પીને મારપીટ કરવા લાગ્યો હતો એને કારણે તે હવે પતિ સાથે રહેવા નથી માગતી. ગયા મહિને જ તે સાસરેથી પોતાના દીકરાને લઈને ભાગીને મેનપુરા ગામ આવી ગઈ હતી અને અંજુના ઘરે રહેવા લાગી છે. અંજુ અને રેણુનું કહેવું છે કે હવે તેઓ બન્ને જીવનભર સાથે જ રહેશે. લગ્ન વિશે તેઓ પછીથી નક્કી કરશે. અંજુ અને રેણુ એકમેકને આઠ મહિના પહેલાં કોઈકનાં લગ્નમાં મળ્યાં હતાં અને તેમની વચ્ચે દોસ્તી અને પ્રેમ થઈ ગયાં હતાં. હવે બન્ને જીવનભર સાથે રહેવા માગે છે. અંજુના ઘરવાળાને રેણુ તેમને ત્યાં રહે એમાં કોઈ વાંધો નથી. પોલીસે પણ કહી દીધું છે કે બન્ને પુખ્ત છે અને તેઓ સાથે રહેવા ઇચ્છે તો એમાં પોલીસ કશું કરી શકે એમ નથી.

