વાઇરલ વિડિયોમાં ત્રણ વર્ષના બાળકની મમ્મી અઝીમા મસ્તીથી ડાન્સ કરે છે, તેના ચહેરા પર શાંતિ છે અને હાથમાં જોશ અને પગમાં ઉત્સાહ છે.
અઝીમા ઇહસાન
‘અય દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં જે બ્રેક-અપ સૉન્ગ છે એવો એક કિસ્સો પાકિસ્તાનમાં બન્યો છે, જેમાં તલાક બાદ મહિલાએ જબરદસ્ત ડાન્સ કર્યો છે અને આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. લગ્નમાં તો બધાને ડાન્સ કરવાનું ગમે, પણ તલાક બાદ આ મહિલાએ જશ્ન મનાવ્યો હતો. અઝીમા ઇહસાન નામની પાકિસ્તાનની આ ડિજિટલ ક્રીએટરે પોતાના તલાકની ખુશી એવી ધામધૂમથી મનાવી કે તે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. તે નાચતાં-ગાતાં નવા જીવનનો જશ્ન મનાવી રહી છે. આ જોઈને લોકો હેરાન છે કે કોઈ તલાક પર આટલું ખુશ કેવી રીતે હોઈ શકે?
વાઇરલ વિડિયોમાં ત્રણ વર્ષના બાળકની મમ્મી અઝીમા મસ્તીથી ડાન્સ કરે છે, તેના ચહેરા પર શાંતિ છે અને હાથમાં જોશ અને પગમાં ઉત્સાહ છે. એવું લાગે છે કે તે કોઈ બંધનમાંથી આઝાદ થઈ ગઈ છે. બૅકગ્રાઉન્ડમાં જોર-જોરથી મ્યુઝિક વાગી રહ્યું છે અને ત્યાં ઉપસ્થિત લોકો એની મજા લઈ રહ્યા છે. વિડિયો શૅર કરતાં આ મહિલાએ લખ્યું છે : ‘પાકિસ્તાની સમાજમાં તલાકને ખરાબ માનવામાં આવે છે અને ખાસ કરીને મહિલાઓ માટે. મને કહેવામાં આવ્યું હતું કે મારી જિંદગી ખતમ થઈ ગઈ છે, મને પસ્તાવો થશે અને મારી ખુશીઓ હંમેશાં માટે જતી રહેશે; પણ સાચું કહું, આવું કંઈ થયું નથી. તલાકનો ચુકાદો આવી ગયો છે અને વિચારો શું? હું એના પર ડાન્સ કરી રહી છું, હું તલાક પછી હસી રહી છું, કારણ કે જિંદગી એટલી ખરાબ નથી જેટલી લોકોએ મને ડરાવી હતી.’

