પુરુષોને પૂછવામાં આવે છે કે ‘તમે કેટલું દહેજ મેળવવાને લાયક છો?
દહેજ
ઑનલાઇન મૅચમેકિંગ સર્વિસ શાદીડૉટકૉમ પર ડાઉરી કૅલ્ક્યુલેટર ફીચર મૂકવામાં આવ્યું છે, જેમાં પુરુષોને પૂછવામાં આવે છે કે ‘તમે કેટલું દહેજ મેળવવાને લાયક છો?’ આમાં તેમણે ઉંમર, વ્યવસાય, આવક, શિક્ષણ જેવી વિગતો ભરવાની હોય છે. પહેલી નજરે આ ફીચર જોનારાને એવો પ્રશ્ન જરૂર થાય કે એક બાજુ દહેજપ્રથા દૂર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ કેટલું યોગ્ય છે. જોકે તમે દહેજની રકમ કૅલ્ક્યુલેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરો એટલે લખાણ જોવા મળે છે, ‘દહેજને લીધે ૨૦૦૧થી ૨૦૧૨ દરમ્યાન ભારતમાં ૯૧,૨૦૨ જેટલાં મૃત્યુ નોંધાયાં છે. તમને હજી પણ જાણવું છે? ચાલો ભારતને દહેજ-મુક્ત સમાજ બનાવીએ.’ આ ફીચર સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને લોકો આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે.

