ક્લૉવિસ નવ વર્ષનો હતો ત્યારે જ તેની મમ્મીએ તે ધ્યેયલક્ષી હોવાનું જણાવી તેને પરંપરાગત સરકારી સ્કૂલમાંથી ઉઠાડી કૉલેજનું ભણતર શરૂ કરાવ્યું હતું.
ક્લૉવિસ હંગ
સામાન્યપણે ટીનેજમાં બાળકો સ્કૂલ જતાં હોય કે બહારની રમતગમતની પ્રવૃત્તિઓમાં જોડાયેલાં હોય, વિડિયો ગેમ રમતાં હોય કે ફૅશન કે ટ્રેન્ડને અનુસરતાં હોય છે. જોકે પ્રતિભાશાળી ટીનેજર્સ આ બધા કરતાં જુદા હોય છે. વર્ષ ૨૦૨૦માં કૅલિફૉર્નિયાની ફુલર્ટન કૉલેજમાંથી ૧૨ વર્ષનો જૅક રિકો સૌથી નાની વયે હિસ્ટરી, હ્યુમન એક્સપ્રેશન, સોશ્યલ બિહેવિયર અને સોશ્યલ સાયન્સ એમ ચાર વિષયોમાં ગ્રૅજ્યુએટ થયો હતો. વળી આ ચારેય વિષયમાં તેણે પર્ફેક્ટ જીપીએ સ્કોર કર્યો હતો.
જોકે હવે ગયા અઠવાડિયે કૅલિફૉર્નિયાની યુનિવર્સિટીમાંથી જ ક્લૉવિસ હંગ નામનો ૧૨ વર્ષનો એક છોકરો એકસાથે પાંચ વિષયમાં ગ્રૅજ્યુએટ થયો છે. ક્લૉવિસ નવ વર્ષનો હતો ત્યારે જ તેની મમ્મીએ તે ધ્યેયલક્ષી હોવાનું જણાવી તેને પરંપરાગત સરકારી સ્કૂલમાંથી ઉઠાડી કૉલેજનું ભણતર શરૂ કરાવ્યું હતું. ક્લૉવિસ જિજ્ઞાસુ, પરિપક્વ, મહેનતુ, સ્વશિસ્તનો આગ્રહી છે. ફુલર્ટન કૉલેજમાં ‘સ્પેશ્યલ ઍડ્મિટ’ પ્રોગ્રામ હેઠળ નાની વયે કૉલેજ ભરવાની છૂટ મળે છે, જેનો ક્લૉવિસે પૂરો ફાયદો ઉઠાવ્યો. ક્લૉવિસે તેની મમ્મી સાથે બેસીને તેની સ્કૂલનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તેને કૉલેજમાં પ્રવેશ મળ્યો હતો. શરૂમાં તે કૉલેજમાં બેસીને અભ્યાસ કરતાં અચકાતો હતો, પરંતુ હવે તે ખૂબ આનંદિત છે. તેના કરતાં મોટી વયના સ્ટુડન્ટ્સે તેને સહપાઠી તરીકે સ્વીકારી લીધો છે.


