સક્રિય જ્વાળામુખી પાસે પહોંચીને પ્રપોઝ કર્યું, ‘ક્યા મુઝસે શાદી કરોગી?’
જેરડે કર્યું એલિસને પ્રપોઝ
પ્રપોઝ કરવા માટે લોકો કંઈક હટકે વિચારોની તલાશમાં હોય છે. કૅનેડાની રાજધાની ઓટાવામાં રહેતા જૅરડ નામના ભાઈએ તેમની ગર્લફ્રેન્ડ એલિસનને સરપ્રાઇઝ આપવા માટે દોસ્તો સાથે મળીને અજીબ પ્લાન બનાવ્યો. બન્ને જણ ટ્રાવેલિંગના શોખીન છે અને તેઓ અવર મૂવિંગ રૂટ્સ નામે ટ્રાવેલ બ્લૉગ ચલાવે છે. જૅરડ અને એલિસન થોડાક સમય પહેલાં ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા. એ વખતે બન્નેએ ત્યાંના સક્રિય જ્વાળામુખી માઉન્ટ બ્રોમો પર ચડવાની યોજના કરી હતી. જ્વાળામુખીના મુખ સુધી પહોંચવા માટે બન્નેએ લગભગ ૭૬૦૦ ફુટ ઊંચા પર્વત પર ચડાણ કર્યું. જોકે જેવા બધા પીક પર પહોંચ્યા એટલે જૅરડે ઘૂંટણિયે પડીને ખિસ્સામાંથી રિન્ગ કાઢી હતી અને એલિસનને પ્રપોઝ કર્યું, ‘વિલ યુ મૅરી મી?’
ADVERTISEMENT
અચાનક મળેલી સરપ્રાઇઝથી ખુશ થયેલી એલિસને તરત જ હા પાડી દીધી. આ ઘટનાનું વિડિયો શૂટિંગ ડ્રોન દ્વારા થયું હતું જે તેમના ટ્રાવેલ બ્લૉગમાં પણ અપલોડ કર્યું હતું.
આ પણ વાંચો : ફુલટાઇમ પ્રોફેશનલ ગેમર બનવા આ ટીનેજરે ભણવાનું છોડી દીધું