ઓડિશામાં ૧૩ વર્ષની આઠમા ધોરણમાં ભણતી એક છોકરીએ તેની પાલક માતાનું જ ખૂન કરી નાખ્યું. આ માટે તેણે બીજા બે પુરુષોની મદદ પણ લીધી હતી. વાત એમ છે કે ૫૪ વર્ષનાં રાજલક્ષ્મી કર નામનાં બહેને એક દીકરી દત્તક લીધેલી.
રાજલક્ષ્મી કર
ઓડિશામાં ૧૩ વર્ષની આઠમા ધોરણમાં ભણતી એક છોકરીએ તેની પાલક માતાનું જ ખૂન કરી નાખ્યું. આ માટે તેણે બીજા બે પુરુષોની મદદ પણ લીધી હતી. વાત એમ છે કે ૫૪ વર્ષનાં રાજલક્ષ્મી કર નામનાં બહેને એક દીકરી દત્તક લીધેલી. છોકરી જ્યારે માત્ર ત્રણ દિવસની હતી ત્યારે તેને કોઈ રસ્તામાં એમ જ રઝળતી મૂકીને જતું રહેલું. પ્રેમાળ દિલનાં રાજલક્ષ્મીએ તેને દત્તક લઈને ખૂબ લાડપ્યારથી મોટી કરેલી. જોકે ટીનેજ દરમ્યાન દીકરી કેટલાક પુરુષમિત્રોના સંપર્કમાં આવેલી. માને દીકરીની ચિંતા હોવાથી તેણે એ પુરુષો ઠીક નથી અને તેમની સાથેની દોસ્તી તોડી દેવાની સલાહ આપેલી. જોકે આ વાતને દીકરીએ અવળી રીતે લીધી. તેને લાગ્યું કે મા તેના પ્રેમને નથી સમજતી. પેલી છોકરીએ પેલા પુરુષમિત્રો સાથેના સંબંધોમાં કોઈ બાધા ન આવે અને માની તમામ સંપત્તિ પોતાની થઈ જાય એ માટે પાલક માનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું. ૨૯ એપ્રિલે સાંજે તેણે રાજલક્ષ્મીને ખૂબબધી ઊંઘની ગોળીઓ ખવડાવી હતી અને પછી તકિયાથી મોં ઢાંકીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી. બીજા દિવસે તેમને ઊંઘમાં જ હાર્ટ-અટૅક આવ્યો હોવાનું કહ્યું અને સંબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર પણ કરી દીધા. જોકે છોકરી પોતાનો ફોન મામાને ત્યાં જ ભૂલી ગયેલી. બે વીક પછી જ્યારે એ ફોન ખોલીને એમાંની ઇન્સ્ટાગ્રામની ચૅટ જોઈ તો ખબર પડી કે રાજલક્ષ્મીની હત્યા યોજનાપૂર્વક કરવામાં આવેલી. રાજલક્ષ્મીના ભાઈએ મોબાઇલના એ પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી.

