કરવા ચૌથના દિવસે પત્નીને કિડની ડોનેટ કરીને નવજીવન આપ્યું હતું
નોએડાના એક પતિએ પત્નીને ભેટમાં પોતાની કિડની આપી હતી
ઉત્તર ભારતમાં કરવા ચૌથના દિવસે પત્નીઓ પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખતી હોય છે. પતિ પણ આ દિવસે પત્નીને શૃંગારનો સામાન અને જ્વેલરી જેવી મોંઘી ભેટો આપે એવો શિરસ્તો પડી ગયો છે. જોકે નોએડાના એક પતિએ પત્નીને ભેટમાં પોતાની કિડની આપી હતી. ૫૦ વર્ષના પવન રાવતે ૪૭ વર્ષની પત્ની મનીષા રાવતને કરવા ચૌથ પર ઘરેણાં, કપડાં અને મોંઘી ભેટોને બદલે અમૂલ્ય જીવન બક્ષતી કિડની આપી હતી. પવન રાવતની પત્નીને ઘણા વખતથી કિડનીની તકલીફ હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય પત્ની મનીષાને બચાવી શકાય એમ નહોતી. ૨૦૨૧થી મનીષાને ક્રોનિક કિડની ડિસીઝ થયો હતો અને આ વર્ષે એપ્રિલ મહિનામાં બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. અનેક બીજા વિકલ્પો અને ડાયાલિસિસ પછી પણ તેની હાલતમાં સુધારો નહોતો થતો. પત્ની સાથે લોહીનો સંબંધ ધરાવતા લોકોમાંથી કોઈ કિડની આપવા તૈયાર ન થયું ત્યારે પતિ પવને પોતાની કિડની મૅચ થાય છે કે નહીં એનું ચેકઅપ કરાવ્યું. નસીબજોગે એ મૅચ થઈ ગઈ અને તેણે કરવા ચૌથના દિવસે પત્નીને કિડની ડોનેટ કરીને નવજીવન આપ્યું હતું. હંમેશાં પતિના લાંબા આયુષ્યની કામના કરતી પત્નીને પતિએ જ નવું જીવન બક્ષ્યું હતું. સર્જરી સફળ થઈ હતી.


