રેકૉર્ડ બનાવવાનો રેકૉર્ડ કર્યો છે આ ભાઈએ; ૬૩૧ શહીદ અને ક્રાન્તિકારીઓનાં નામ ત્રોફાવ્યાં અને વધુ સમાચાર
અજબગજબ
લેઇ મુઝી
ભારતીય કલ્ચરનો ડંકો ચોમેર વાગી રહ્યો છે અને એમાંથી ચીન પણ બાકાત નથી. આ રવિવારે બીજિંગમાં લેઇ મુઝી નામની એક ચાઇનીઝ કન્યાએ ભરતનાટ્યમમાં પારંગત થઈને આરંગેત્રમ કર્યું હતું. આ પ્રસંગે ચીનમાં ઇન્ડિયન ઍમ્બૅસૅડર પ્રદીપ રાવત અને તેમનાં પત્નીએ હાજરી આપી હતી. આરંગેત્રમ શાસ્ત્રીય નૃત્યમાં ગ્રૅજ્યુએશનની સમકક્ષ નિપુણતા કહેવાય છે.
રેકૉર્ડ બનાવવાનો રેકૉર્ડ કર્યો છે આ ભાઈએ
ADVERTISEMENT
અમેરિકાના ઇડાહોમાં રહેતા ડેવિડ રશ નામના ભાઈના જીવનમાં જાણે બીજું કશું છે જ નહીં એવું લાગે છે. છેલ્લા લગભગ બે દાયકાથી વધુ સમયથી ડેવિડનું મગજ કોઈ ને કોઈ અતરંગી રેકૉર્ડ બનાવવા પાછળ દોડે છે. જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય એવાં-એવાં કરતબ માટે ભાઈસાહેબે રેકૉર્ડ બનાવ્યા છે. બીજું નવું કંઈ ન સૂઝે તો પોતાનો જ જૂના કરતબનો રેકૉર્ડ તોડવા માટે તે મંડી પડે છે. એમ કરીને અત્યાર સુધીમાં તેણે ૨૫૦ વર્લ્ડ રેકૉર્ડ્સ પોતાના નામે કર્યા છે. તાજેતરમાં તો ભાઈએ હદ કરી નાખી છે. આ વખતે તેણે એક જ દિવસમાં ૧૫ રેકૉર્ડ બનાવવાનો નવો રેકૉર્ડ નોંધાવ્યો છે.
શરીર છે કે શહીદ સ્મારક? ૬૩૧ શહીદ અને ક્રાન્તિકારીઓનાં નામ ત્રોફાવ્યાં
હાપુડના યુવાન અભિષેકનો દેશપ્રેમ અને સ્વતંત્રતાના લડવૈયાઓ પ્રત્યેનો આદર આખા શરીર પર કોતરાયો છે. અભિષેક ગૌતમ નામના યુવાને શરીર પર ૬૩૧ શહીદ જવાનોની સાથોસાથ ક્રાન્તિકારીઓનાં ચિત્ર ત્રોફાવ્યાં છે. એ માટે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સે તેનું સન્માન પણ કર્યું છે અને ‘લિવિંગ વૉલ મેમોરિયલ ટાઇટલ’ નામ આપ્યું છે. દેશ માટે શહીદ થયેલા જવાનો પ્રત્યેનો આદર વ્યક્ત કરવા તેણે ટૅટૂ કરાવ્યાં છે. કારગિલ શહીદોની વીરગાથાઓ સાંભળ્યા પછી તેને આવી ઇચ્છા થઈ હતી.
દિલ બાગ બાગ થઈ જાય એવો ફ્લાવર શો
કોલમ્બિયામાં રંગબેરંગી ફૂલોના મબલક પાક માટે જાણીતા સૅન્ટા એલેના ગામમાં એક વીકનો ફ્લાવર શો શરૂ થયો છે જે દરરોજ વિવિધ શહેરોમાં પહોંચે છે. આ ઉત્સવમાં લોકો રંગબેરંગી ફૂલ વાપરીને સુંદર આકૃતિ તૈયાર કરે છે અને એ લઈને આખા શહેરમાં સરઘસ કાઢે છે. આ રવિવારે મેડેલિન શહેરની મુખ્ય સડક પર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રંગીન ફૂલોની ચાદર છવાયેલી જોવા મળી હતી.
ડૉક્ટરો ગર્ભાશયને સાફ કરવાનો ટૉવેલ અંદર જ ભૂલી ગયા!
ઉત્તર પ્રદેશના અલીગઢની શિવ મહિમા હૉસ્પિટલમાં૨૮ વર્ષની એક મહિલાએ ટ્વિન દીકરીઓને જન્મ આપ્યો હતો. જોકે સિઝેરિયન સર્જરી પૂરી થયા પછી ડૉક્ટરો તેના ગર્ભાશયને સાફ કરવાનો ટૉવેલ અંદર જ ભૂલી ગયા હતા. જોકે આ વાતની ખબર ઑપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા પછી પડી હતી.