કૅનેડાના વિલિસ્ટન જળાશયમાં બે ફુટબૉલ મેદાન જેટલો જંગલથી ઢંકાયેલો ટાપુ તરતો જોવા મળ્યો, જે પાણીના વહેણ અને પવનથી ૩૦ કિમી દૂર ખસી ગયો.
કૅનેડાની અજાયબ ઘટના
કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા વિલિસ્ટન જળાશયમાંથી એક અકલ્પનીય અને રહસ્યમય ભૌગોલિક ઘટના સામે આવી છે. અહીં છલોછલ પાણીની વચ્ચે લીલાંછમ ઝાડીઝાંખરાં અને વૃક્ષોથી ઢંકાયેલો એક આખો ટાપુ તરતો જોવા મળ્યો હતો. આશરે ૯૮૦૦ ચોરસમીટર એટલે કે લગભગ બે કૅનેડિયન ફુટબૉલ ગ્રાઉન્ડ જેટલો આ વિશાળ ટાપુ જોઈને શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ કોઈએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવેલો ફેક વિડિયો છે.
નવાઈની વાત તો ત્યારે બની જ્યારે સૅટેલાઇટ તસવીરોમાં ૨૧ જુલાઈએ દેખાયેલો આ વિરાટ ટાપુ પાંચમી ઑગસ્ટે અચાનક પોતાની જગ્યાએથી ગાયબ થઈ ગયેલો જોવા મળ્યો અને સૅટેલાઇટ ટ્રૅકિંગમાં પણ એ દેખાતો બંધ થઈ ગયો.
એક આખેઆખું જંગલ જળાશયમાંથી રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જતાં વૈજ્ઞાનિકોએ સૅટેલાઇટ અને પાઇલટોની મદદથી તપાસ કરતાં ખબર પડી કે હકીકતમાં આ રહસ્યમય ટાપુ ક્યાંય ગાયબ થયો નહોતો કે ડૂબ્યો પણ નહોતો. જળાશયના પાણીનું વહેણ, પર્વતમાળા પરથી પડતા બરફના ટુકડા અને સતત થઈ રહેલા વરસાદને કારણે આ જળાશયનું સ્તર પાછલાં ૧૪ વર્ષનું સૌથી વધુ થઈ જતાં એ પાણીના વહેણ અને પવનોની થપાટો સાથે તરતો-તરતો પોતાની મૂળ જગ્યાએથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ૩૦ કિલોમીટર દૂર પહોંચી ગયો હતો.
આ ટાપુને સ્થાનિક લોકોએ ફૅન્ટમ ટાપુ તરીકે ઓળખવાનું શરૂ કરી દીધું હતું. વૈજ્ઞાનિકોના મતે વર્ષો સુધી લાકડાં, માટી અને ઘાસ જમા થતાં રહેતાં એના પર જાતજાતની વનસ્પતિઓ ઊગી નીકળી હતી અને ઉનાળામાં જળાશયનું જળસ્તર વધતાં આ આખેઆખો ભૂખંડ જમીનથી અલગ થઈને દરિયાઈ આઇસબર્ગની જેમ પાણી પર તરવા લાગ્યો હતો. અગાઉ અમેરિકાના વિસ્કૉન્સિનમાં પણ આવો જ એક હરતો-ફરતો ટાપુ જોવા મળ્યો હતો.
શરૂઆતમાં એને ડિજિટલ જાદુ કે અફવા માનવામાં આવતી હતી, પણ પ્રકૃતિનો આ તરતો મહેલ જોઈને હાલ વિશ્વના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
