મહાકુંભનો મહિમા સાબિત કરતો એક રોચક કિસ્સો જાણવા મળ્યો છે. ઝારખંડના કોડરમામાં મહતો પરિવારના મુખ્ય વડીલ પ્રકાશ મહતો ૧૫ વર્ષ પહેલાં કલકત્તા ગયા હતા અને ગુમ થઈ ગયા હતા.
મહાકુંભની વાત સાંભળીને ૧૫ વર્ષ બાદ અચાનક યાદદાસ્ત પાછી આવતાં પરિવાર સાથે મેળાપ થયો
મહાકુંભનો મહિમા સાબિત કરતો એક રોચક કિસ્સો જાણવા મળ્યો છે. ઝારખંડના કોડરમામાં મહતો પરિવારના મુખ્ય વડીલ પ્રકાશ મહતો ૧૫ વર્ષ પહેલાં કલકત્તા ગયા હતા અને ગુમ થઈ ગયા હતા. ૧૫ વર્ષ સુધી પરિવાર અને સ્થાનિક પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ તેમની ભાળ મેળવવાની કોશિશ કરી, પણ એમાં સફળતા નહોતી મળી અને સરકારી નિયમ મુજબ ૭થી વધુ વર્ષ માટે ગુમ રહેનારને મૃત્યુ પામેલા માની તેમના આશ્રિતોને સરકારી નોકરી મળે એટલા માટે તેમના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી, પણ ત્યારે જ બધાના આશ્ચર્ય વચ્ચે પોલીસ-સ્ટેશનમાંથી જાણવા મળ્યું કે ગુમ થયેલો માણસ મળી ગયો છે.
કમાલની વાત એ હતી કે ૧૫ વર્ષ બાદ મહાકુંભ નામ સાંભળીને પ્રકાશ મહતોની સ્મૃતિ પાછી આવી ગઈ હતી. પ્રકાશ મહતો કલકત્તા નગર નિગમમાં કામ કરતા હતા અને ૧૫ વર્ષ પહેલાં ૨૦૧૦માં તેઓ કલકત્તા જવા ટ્રેનમાં નીકળ્યા હતા. જોકે તેમની માનસિક હાલત સારી ન હોવાથી તેઓ રસ્તામાં જ ગાયબ થઈ ગયા હતા. ઘણી તપાસ કર્યા છતાં તેમની કોઈ ભાળ મળી નહોતી. ૧૫ વર્ષ પહેલાં રાણીગંજમાં એક હોટેલમાલિકને માનસિક રીતે અસ્થિર હાલતમાં પ્રકાશ મહતો રસ્તા પર મળ્યા હતા અને ત્યારથી તેઓ હોટેલમાં કામ કરતા હતા. વફાદારી અને કામને કારણે મહતો તેમના પરિવારનો હિસ્સો બની ગયા અને ત્યાં જ રહેતા હતા. ૭ વર્ષ પહેલાં હોટેલમાલિક મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર સુમિત હોટેલ સંભાળવા માંડ્યો. સુમિતે જણાવ્યું કે અમે પ્રકાશ મહતોને પહેલવાન નામ આપ્યું હતું અને અમે જ્યારે પરિવાર સાથે મહાકુંભ જવાની વાત કરી રહ્યા હતા ત્યારે મહતોને પૂછ્યું કે તમે મહાકુંભ આવશો? તેમણે કહ્યું કે હું જરૂર આવીશ, કારણ કે મારું ઘર વચ્ચે રસ્તામાં જ આવે છે. એ સાંભળીને બધા ચોંકી ગયા અને સુમિતે તેમને બધું યાદ આવી રહ્યું છે એવું લાગતાં પૂછપરછ કરી. એ પછી મહતોએ પોતાના ઘરનું સરનામું કહ્યું અને સુમિતે ઝારખંડમાં કોડરમા માર્કાચો પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરી મહતો વિશે માહિતી આપી.
ADVERTISEMENT
પોલીસે પરિવારને જણાવ્યું અને જ્યારે પોલીસ પરિવાર સાથે રાણીગંજ પહોંચી ત્યારે બધાની આંખમાં આંસુ હતાં. બાવન વર્ષના પ્રકાશ મહતો ૧૫ વર્ષ પછી પોતાની પત્ની ગીતાદેવી અને બાળકો ૧૮ વર્ષના દીકરા સુજલ અને ૧૬ વર્ષની દીકરી રાણીને મળ્યા. મહતો ગાયબ થયા ત્યારે દીકરો ૩ વર્ષનો અને દીકરી ત્રણ મહિનાની હતી. તેમણે પિતાને માત્ર તસવીરમાં જ જોયા હતા. પ્રકાશ મહતોને પરિવાર પાસે જવા વિદાય આપતી વખતે હોટેલમાલિક સુમિત અને તેનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. તેમણે કહ્યું કે અમે કુંભસ્નાન માટે જઈશું અને પ્રકાશ મહતોને સાથે લઈને ગંગાસ્નાન કરીશું.


