કોઈ વાંદરો કહીને મજાક ઉડાડતું તો વળી કોઈ હનુમાનજીનું સ્વરૂપ ગણીને પ્રણામ કરતું. પરિવાર અને દોસ્તોના સાથથી લલિતે હિંમત ન હારી.
૧૯ વર્ષનો લલિત પાટીદાર
મધ્ય પ્રદેશના રતલામ પાસે નાનકડા ગામ નાંદલેટામાં રહેતો ૧૯ વર્ષનો લલિત પાટીદાર એક અસામાન્ય બીમારીથી પીડાય છે. પોતાના ચહેરા પર જન્મથી જ ગીચ વાળ લઈને જન્મેલો લલિત આખા શરીર પર અને ખાસ કરીને પીઠ, ચહેરા અને હાથ પર બહુ લાંબા વાળ હોય એવી અસામાન્ય બીમારીથી પીડાય છે. દુનિયામાં માત્ર ૫૦ વ્યક્તિને જ આ બીમારી છે. આ અસામાન્ય બીમારીને કારણે બાળપણમાં બાળકો તેની સાથે રમતાં નહોતાં. કોઈ તેને પથ્થર મારતું, કોઈ વાંદરો કહીને મજાક ઉડાડતું તો વળી કોઈ હનુમાનજીનું સ્વરૂપ ગણીને પ્રણામ કરતું. પરિવાર અને દોસ્તોના સાથથી લલિતે હિંમત ન હારી. તેણે પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી અને સોશ્યલ મીડિયા દ્વારા ખ્યાતિ મેળવીને ‘વુલ્ફમૅન’ તરીકે પણ ઓળખાવા લાગ્યો. ધીમે-ધીમે બધું બદલાવા લાગ્યું. અત્યારે તે બારમા ધોરણમાં ભણે છે, બાઇક ચલાવે છે અને સ્પોર્ટ્સમાં પણ ભાગ લે છે.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તરફથી લલિતનો બે વર્ષ પહેલાં સંપર્ક કરવામાં આવ્યો હતો. આખા શરીર અને ચહેરા પર પાંચથી છ સેન્ટિમીટર લાંબા ગીચ વાળ ધરાવતો લલિત પોતાના સાથી જિતેન્દ્રકુમાર સાથે ઇટલીના મિલાન શહેરમાં ગયો અને વિશેષજ્ઞોએ ૬ દિવસ તપાસ કરીને ચહેરા પર સૌથી લાંબા વાળ ધરાવતી વ્યક્તિનો રેકૉર્ડ તેના નામે કરીને મેડલ અને સર્ટિફિકેટ આપ્યાં હતાં. લલિતના ચહેરા પર સૌથી વધારે વાળ દર સેન્ટિમીટર પર ૨૦૧.૭૨ સેન્ટિમીટર છે. લલિતના ઘરમાં મમ્મી-પપ્પા અને ચાર બહેનો છે. ૨૧ વર્ષ પછી તે સર્જરી કરાવી શકશે એવી શક્યતા ડૉક્ટરો જણાવી રહ્યા છે.

