પતિની ઓછી આવકની અરજી ફગાવતાં કોર્ટે જણાવ્યું હતું કે પત્નીની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પતિની ફરજ છે. જો પતિને કોઈ શારીરિક તકલીફ ન હોય તો તેણે કામ કરીને પૈસા કમાઈને પત્નીને ભરણપોષણ આપવું જ પડે.
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે પરણેલી સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરુષને પ્રેમ કરતી હોય પણ તેમની વચ્ચે કોઈ શારીરિક સંબંધ ન હોય તો તે માત્ર પ્રેમસંબંધ છે, એ ગેરકાયદે વ્યભિચાર નથી એટલે પતિએ ભરણપોષણ આપવું પડે.
એક કેસમાં પતિને ફૅમિલી કોર્ટે પત્નીને દર મહિને ૪૦૦૦ રૂપિયા ભરણપોષણ તરીકે આપવાનો આદેશ આપ્યો એની વિરુદ્ધ પતિએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી અને દલીલમાં જણાવ્યું હતું કે ‘મારી પત્ની અન્ય પુરુષના પ્રેમમાં છે એટલે તે ભરણપોષણ મેળવવાની હકદાર નથી. હું મહિને માત્ર ૮૦૦૦ રૂપિયા કમાઉં છું એથી ૪૦૦૦ રૂપિયા પત્નીને ભરણપોષણના આપવા મારે માટે બોજારૂપ છે.’
ADVERTISEMENT
કેસની સુનાવણી બાદ જસ્ટિસ જી. એસ. અહલુવાલિયાએ પતિની અરજી ઠુકરાવી દીધી હતી અને જણાવ્યું હતું કે કોઈ પરિણીત મહિલા ગેરકાયદે સંબંધમાં હોવાના નક્કર પુરાવા હોય તો જ ભરણપોષણ નકારી શકાય. હાઈ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે ગેરકાયદે સંબંધનો અર્થ છે પરિણીત હોવા છતાં અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ હોવા, એથી જો કોઈ સ્ત્રી માત્ર અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ ધરાવે છે તો એ સંબંધ ગેરકાયદે કહી શકાય નહીં. પતિની ઓછી આવકની અરજી ફગાવતાં કોર્ટે જણાવ્યું હતું કે પત્નીની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પતિની ફરજ છે. જો પતિને કોઈ શારીરિક તકલીફ ન હોય તો તેણે કામ કરીને પૈસા કમાઈને પત્નીને ભરણપોષણ આપવું જ પડે.

