બ્લાસ્ટમાં હાથ ગુમાવ્યા પણ હાડકું બહાર રહી ગયેલું એનાથી થીસિસ ટાઇપ કરી

આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર, ડિસેબિલિટી ઍક્ટિવિસ્ટ અને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમનાં ગ્લોબલ શેપર માલવિકા અય્યર સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપી ચૂક્યાં છે. પોતાના જન્મદિવસે આ ભાષણને ટ્વિટર પર શૅર કરી પોતાના જીવનના મુશ્કેલીભર્યા દિવસોની વાતો પણ શૅર કરી હતી. વાત એમ છે કે રાજસ્થાનના બિકાનેરની રહેવાસી ૩૦ વર્ષની માલવિકાએ ૧૩ વર્ષની વયે ગ્રેનેડ બ્લાસ્ટ થતાં હાથના પંજા ગુમાવ્યા હતા. સર્જરી વખતે ડૉક્ટરની ભૂલથી સ્ટિચિંગ વખતે એક હાથનું હાડકું સહેજ બહાર રહી ગયું હતું. હાથનો આ હિસ્સો ક્યાંક અડી જાય તો તેને ઘણી તકલીફ થતી હતી. એમ છતાં એમાંથી પણ સકારાત્મક અભિગમ કેળવી એ હાડકાને આંગળી બનાવી તેમણે પીએચડીની થીસિસ ટાઇપ કરી. પોતાની ઇચ્છાશક્તિથી તેમણે કુદરતે આપેલી મુશ્કેલીઓ અને ડૉક્ટરની ભૂલમાંથી પણ તક શોધીને પોતાની શારીરિક અક્ષમતા પર વિજય મેળવ્યો હતો. માલવિકાના આ ટ્વીટને હજારો લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે.