લખનઉમાં બુધવારે અક્ષય અને જ્યોતિ નામનાં વર-વધૂનાં લગ્ન હતાં. રાતે સાડાદસ વાગ્યે એક વ્યક્તિ મૅરેજ-લૉનમાં બનેલા બિલ્ડિંગમાં બીજે માળે કોઈક કામસર ગઈ
લગ્નમાં ‘મહેમાન’ બનીને આવી ગયો દીપડો અને મચી ગઈ નાસભાગ
લખનઉમાં બુધવારે અક્ષય અને જ્યોતિ નામનાં વર-વધૂનાં લગ્ન હતાં. રાતે સાડાદસ વાગ્યે એક વ્યક્તિ મૅરેજ-લૉનમાં બનેલા બિલ્ડિંગમાં બીજે માળે કોઈક કામસર ગઈ અને ત્યાં સામે દીપડાને જોઈને એવી ગભરાઈ ગઈ કે એનાથી બચવા તેણે બીજા માળેથી કૂદકો મારી દીધો. મૅરેજ-લૉનના બિલ્ડિંગમાં દીપડો ઘૂસી આવ્યો છે એ વાત ફેલાતાં દહેશત ફેલાઈ ગઈ અને બધા બહાર નીકળવા દોડવા માંડ્યા. જેઓ રૂમની અંદર હતા તેમને રૂમ બંધ કરી દેવાનું કહેવામાં આવ્યું. લૉનના માલિકે વનવિભાગને જાણ કરી અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ૧૦ જણની રેસ્ક્યુ-ટીમ મૅરેજ-લૉનમાં દીપડાને પકડવા પહોંચી ગઈ. બીજે માળે જૂના ફર્નિચરની આડમાં સંતાઈ રહેલા દીપડાએ વનવિભાગના ઑફિસર પર હુમલો કર્યો. દીપડાએ ઑફિસરની રાઇફલ પણ પોતાના મોઢાથી ખેંચી લીધી હતી. રેસ્ક્યુ-ટીમના બીજા સભ્યએ એને બેભાન કરવાનું તીર મારીને શાંત કર્યો અને ૨૦ મિનિટ સુધી ચાલેલા રેસ્ક્યુ-ઑપરેશન બાદ ૯૦ કિલોના નર દીપડાને જાળમાં પકડીને પીંજરામાં પૂરવામાં આવ્યો હતો. એ પછી એને સુરક્ષિત જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. દીપડો પકડાઈ ગયા બાદ લગ્નસમારંભ આગળ ધપ્યો હતો.


