આજના માઘ પૂર્ણિમાના સ્નાન માટે નવી ગાઇડલાઇન બહાર પાડી : સમગ્ર પ્રયાગરાજમાં કોઈ પણ પ્રકારના વાહન પર પ્રતિબંધ : VIP-VVIP તમામ પાસ તત્કાલ અસરથી રદ : બાવન અધિકારીઓને ખાસ પ્લેન દ્વારા મેળામાં પહોંચાડવામાં આવ્યા : બે સિનિયર અધિકારીઓની ઝાટકણી કાઢી
ગઈ કાલે માઘી પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ મહાકુંભમાં સંગમસ્નાન કરતા અસંખ્ય લોકો.
મહાકુંભમાં અવ્યવસ્થાની આવી રહેલી સતત ફરિયાદોને કારણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવીને તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. યોગીએ ખાસ કરીને પ્રયાગરાજ ઝોનના ઍડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) ભાનુ ભાસ્કર અને ADG-ટ્રૅફિક સત્યનારાયણની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે ‘સમગ્ર પ્રયાગરાજની જવાબદારી તમારા પર હતી, પરંતુ તમે તો સ્થળ પર હાજર જ નહોતા. માત્ર ફોન પર આદેશો આપી રહ્યા હતા. મેળાની ખરાબ વ્યવસ્થાને કારણે રાજ્ય અને રાજ્ય સરકારની છબિને નુકસાન પહોંચ્યું એનું મુખ્ય કારણ તમે લોકો જ છો. કરોડો લોકો પહોંચવાના છે એવી માહિતી હોવા છતાં પણ તમે બેજવાબદારીપૂર્વક કામ કર્યું.’

ADVERTISEMENT
ગઈ કાલે પ્રયાગરાજ જવા પટનામાં બારીમાંથી ટ્રેનમાં ઘૂસતા લોકો અને લખનઉથી ઊપડેલી ટ્રેનમાં ખીચોખીચ ભરેલા પ્રવાસીઓ.

યોગી દ્વારા હવે આજના માઘ પૂર્ણિમા સ્નાન સમયે કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ માટે STF ચીફ અમિતાભ યશને સ્પેશ્યલ પ્લેન દ્વારા મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બાવન ઉચ્ચ અધિકારીઓને તત્કાલ અસરથી તમામ કામ પડતાં મૂકીને મહાકુંભમાં પહોંચવા માટેના નિર્દેશો અપાયા છે હતા, જેને પગલે એ લોકો પણ પહોંચી ગયા છે. આ ઉપરાંત ટ્રૅફિક અને અવ્યવસ્થાને ખાળવા માટે માઘ પૂર્ણિમાની નવી ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી હતી...
અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે કોઈ પણ સ્થિતિમાં રોડ જૅમ ન થવો જોઈએ.
હવે માત્ર મેળા વિસ્તાર નહીં, પરંતુ સમગ્ર શહેરમાં ૧૨ ફેબ્રુઆરી સુધી નો-વેહિકલ ઝોન.
કલ્પવાસીઓનાં વાહનોને પણ અંદર આવવા કે બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
ઉચ્ચ અધિકારી અને એ પણ મેળા વિશેની કોઈ જવાબદારી હશે તો જ વાહન સાથે પ્રવેશ કરી શકશે.
માત્ર પોલીસ, ઍમ્બ્યુલન્સ અને ફાયર જેવાં જરૂરી વાહનોને જ છૂટ આપવામાં આવી છે.
તમામ પ્રકારના VIP, VVIP પાસ રદ કરી દેવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓએ પોતાનાં વાહન શહેરની બહાર બનાવાયેલા પાર્કિંગમાં જ ફરજિયાત મૂકવાં પડશે.
સમગ્ર પ્રયાગરાજમાં પગપાળા યાત્રા સિવાય કોઈ વાહનને મંજૂરી નહીં.
તમામ પાર્કિંગ અને સ્ટેશનો સંગમથી ૮-૧૦ કિલોમીટર દૂર છે.
માઘ પૂર્ણિમા સુધી પ્રયાગરાજનાં તમામ પ્રખ્યાત મંદિરો પણ બંધ રહેશે.
અક્ષયવટ અને લેટે હનુમાન મંદિર માઘ પૂર્ણિમા સુધી બંધ રહેશે.
પ્રયાગરાજના સ્થાનિક લોકો પણ વાહન લઈને આવી કે જઈ નહીં શકે.
સમગ્ર પ્રયાગરાજમાં પગપાળા જ આવવું કે જવું પડશે.
સ્ટેશન અને મેળાની આસપાસના વિસ્તારની ગલીઓને પણ બ્લૉક કરી દેવામાં આવી.
માઘ પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં હોડીઓના સંચાલન પર પણ પ્રતિબંધ.
પ્રયાગરાજમાં ફસાયેલી ગાડીઓને પણ આજ રાત સુધીમાં બહાર કાઢી દેવામાં આવશે.


