૨૭ જૂને ટોક્યોથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર કપરા ભૂપ્રદેશમાંથી આ અલ્ટ્રા-એન્ડ્યુરન્સ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં સ્પર્ધકોને ૧૭૩ કિલોમીટરનું અંતર પાર કરવાનું હતું.
અશ્વિની ગણપતિ
કર્ણાટકની ૩૯ વર્ષની એન્ડ્યુરન્સ ઍથ્લીટ અશ્વિની ગણપતિએ જપાનમાં યોજાતી ૧૭૩ કિલોમીટરની કઠિન ડીપ જપાન અલ્ટ્રા ૧૦૦ ટ્રેઇલ રેસ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. રેસ પૂર્ણ કરનારી તે એકમાત્ર બિનજપાની સ્પર્ધક હતી. તેણે બરફ, ઢાળવાળા ચડાણ અને ભારે હવામાનની પરિસ્થિતિઓ સામે લડતાં ૪૫ કલાક અને ૪૨ મિનિટમાં રેસ પૂર્ણ કરી હતી અને રેસ પૂરી કરનારી મહિલાઓમાં દસમા સ્થાને રહી હતી. કુલ ૧૩૫ સ્પર્ધક રેસમાં હતા જેમાંથી માત્ર ૬૩ જણ રેસ પૂરી કરી શક્યા હતા. આમ તેણે ભારતને પણ ગૌરવ અપાવ્યું છે.
આ રેસમાં બરફથી ઢંકાયેલાં શિખરો અને ૯૦૦૦ મીટરની ઊંચાઈ સુધી ચડીને ઊતરવું જેવી કઠિન વિષમતાઓ પણ પાર કરવી પડે છે. ૨૭ જૂને ટોક્યોથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર કપરા ભૂપ્રદેશમાંથી આ અલ્ટ્રા-એન્ડ્યુરન્સ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં સ્પર્ધકોને ૧૭૩ કિલોમીટરનું અંતર પાર કરવાનું હતું.
ADVERTISEMENT
અશ્વિનીએ ૬ કિલોથી વધુ ફરજિયાત સલામતી-સાધનો અને ખોરાક-પાણી પોતાની સાથે રાખ્યાં હતાં જેનું વધારાનું બે કિલો વજન હતું. જપાનમાં શાકાહારી ફૂડ મળે કે નહીં એ હેતુથી તેણે ખાવાનું સાથે રાખ્યું હતું.
આ રેસમાં માઉન્ટ આસાકુસા અને માઉન્ટ સુમો સહિત ત્રણ ઊંચા પર્વતનાં ચડાણ હોવાથી દોરડાં અને સાંકળોની જરૂર હતી. એમાં બરફ આચ્છાદિત પર્વત પાર કરવાના હતા. આ પ્રકારની ભારતીય રેસમાં સામાન્ય રીતે ૧૦ કિલોમીટરના વિસ્તારમાં સહાય-સ્ટેશનો મળે છે, પણ જપાનમાં એ ઘણાં દૂર હતાં, ક્યારેક તો ૨૮ કિલોમીટરના અંતરે હતાં.
રેસમાં આરામ વિશે બોલતાં અશ્વિનીએ કહ્યું, ‘ઊંઘ માટે વિરામ નહોતો, ફક્ત સહાય-સ્ટેશનો હતાં. હું બે રાત સુધી ઊંઘી નહોતી. મેં પાંચ મિનિટ માટે સ્લીપ-રૂમમાં ઊંઘવાનો પ્રયાસ કર્યો, પણ હું સૂઈ ન શકી.’
અશ્વિની પોતાની સફળતાનું શ્રેય તેના પરિવારને આપે છે. તે કહે છે, ‘મારા પતિ અને સાસરિયાંઓએ આ સફરમાં ખૂબ જ સહયોગ આપ્યો છે. જ્યારે હું ટ્રેઇનિંગ કે રેસિંગ માટે બહાર હોઉં છું ત્યારે મારાં સાસુ ઘરે બધું સંભાળે છે. મારાં લગ્નને ૧૪ વર્ષ થઈ ગયાં છે અને તેમના પ્રોત્સાહનનો અર્થ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
અશ્વિની પોતાની નોંધપાત્ર સિદ્ધિ સાથે અન્ય મહિલાઓને તેમના કમ્ફર્ટ ઝોનની બહાર આવવા માટેની પ્રેરણા આપે છે. તેનું માનવું છે કે વધુ મહિલાઓ તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને પોતાની સંભાળ રાખવા માટે પ્રેરણા અનુભવશે. સ્ત્રીઓ અમર્યાદિત સહનશક્તિ સાથે જન્મે છે, તેમને ફક્ત પોતાની ક્ષમતાઓ શોધવાની જરૂર છે એ સંદેશ છે અશ્વિનીનો.
૧૭૩ કિલોમીટરની રેસ ઊંઘ્યા વિના માત્ર ૪૫ કલાક અને ૪૨ મિનિટમાં પૂરી કરી, ૧૩૫ સ્પર્ધકમાંથી ૬૩ જણ રેસ પૂરી કરી શક્યા

