આ શહેર એની જૂની સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીંના લોકો દિલ્હી જેવા મોટા શહેર કરતાં આ ઍપ પર વધુ સક્રિય છે. ગયા વર્ષે આ શહેર ૧૭મા ક્રમે હતું
પ્રતીકાત્મક તસવીર
લગ્નેતર સંબંધો ઇચ્છતી વ્યક્તિઓ માટેના વૈશ્વિક ડેટિંગ પ્લૅટફૉર્મ ઍશ્લી મૅડિસન દ્વારા જૂન ૨૦૨૫માં જાહેર કરાયેલા ડેટા અનુસાર ભારતમાં તામિલનાડુના કાંચીપુરમ શહેરે સૌથી વધુ સાઇનઅપ્સ અને અફેર્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ શહેર એની જૂની સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીંના લોકો દિલ્હી જેવા મોટા શહેર કરતાં આ ઍપ પર વધુ સક્રિય છે. ગયા વર્ષે આ શહેર ૧૭મા ક્રમે હતું, પણ હવે એ સીધું નંબર વન પર આવી ગયું છે. સેન્ટ્રલ દિલ્હી બીજા ક્રમે છે, ત્યાર બાદ ગુડગાંવ આવે છે. નોંધનીય છે કે મુંબઈ આ ટોચનાં ૨૦ શહેરોમાં પણ નથી. દિલ્હીના છ જિલ્લાઓ - સેન્ટ્રલ દિલ્હી, સાઉથ-વેસ્ટ દિલ્હી, ઈસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને નૉર્થ વેસ્ટ દિલ્હી સિવાય પાડોશી શહેરો ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોએડા)નો આ લિસ્ટમાં સમાવેશ થાય છે. આ ઍપ સાથે જોડાનારા લોકોમાં જયપુર, રાયગડ, કામરૂપ અને ચંડીગઢ જેવાં અન્ય શહેરોના લોકોનો સમાવેશ છે. આધુનિક જીવનશૈલી, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને બદલાતાં સામાજિક પરિમાણોના કારણે લોકો રિલેશનશિપ્સમાં ઓપન બન્યા છે. આને કારણે સંબંધોનો અર્થ બદલાઈ રહ્યો છે. પહેલાંનાં સંબંધો મોટા ભાગે એકપત્નીત્વ પર આધારિત હતા, પરંતુ હવે આવું થઈ રહ્યું નથી. નાનાં શહેરોમાં પણ લોકોએ હવે તેમના સંબંધોનાં નવાં સ્વરૂપો અપનાવવાનું શરૂ કર્યું છે.


