નોકર-ચાકર ભલે આખો દિવસ ઘરમાં કોઈ ને કોઈ કામ કરતા હોય, આયા બાળકો સાચવતી હોય અને આમ એ લોકો ઘરના સભ્ય ગણાતા હોય છે; પણ ઘરના માલિકોની જેમ તેમને ઘરની બધી વસ્તુઓ વાપરવાની છૂટ અપાય
અજબગજબ
અનામિકા રાણા
નોકર-ચાકર ભલે આખો દિવસ ઘરમાં કોઈ ને કોઈ કામ કરતા હોય, આયા બાળકો સાચવતી હોય અને આમ એ લોકો ઘરના સભ્ય ગણાતા હોય છે; પણ ઘરના માલિકોની જેમ તેમને ઘરની બધી વસ્તુઓ વાપરવાની છૂટ અપાય? આ પ્રકારની ચર્ચા ઘણી વાર થાય છે. દુબઈમાં રહેતાં ભારતીય અનામિકા રાણાએ પણ આવી જ એક ચર્ચા સોશ્યલ મીડિયા પર છેડી છે. તેમના ઘરમાં એક ફુલટાઇમ મેઇડ છે. એક દિવસ નોકરાણી ફોનમાં કંઈક જોતાં-જોતાં તેમના સોફા પર રીતસરની ઢળી પડી હતી. રાણાએ તેનો વિડિયો ઉતાર્યો અને ઇન્સ્ટાગ્રામ પર આ વિશે યુઝર્સનાં મંતવ્ય જાણ્યાં. અનામિકા રાણાએ કહ્યું કે ‘મને ખબર છે કે તમારામાંથી ઘણા એવું વિચારતા હશે કે એમાં શું? પણ હું મિલેનિયલ છું (૧૯૮૧થી ૧૯૯૬ વચ્ચે જન્મ્યા હોય તેમને મિલેનિયલ જનરેશન કહેવાય) અને મારી નોકરાણી કદાચ જેન ઝીડ (૧૯૯૭થી ૨૦૧૨ વચ્ચે જન્મ્યા હોય તેમને જેન ઝીડ કહેવાય) છે. અમારી બન્નેની પેઢી અલગ છે. હું કામવાળીને સાચવવામાં બહુ કુશળ નથી, પણ શું કરવું જોઈએ અને શું નહીં એની મર્યાદા હોવી જોઈએ.’ રાણાનો વિડિયો જોઈને અનેક લોકોએ તેની ટીકા કરી છે, તો કેટલાકે પોતાના અનુભવ પણ કહ્યા છે.