Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પારકી પંચાત કે પીઠ પાછળ નિંદા કરશો તો આ ગામમાં થશે ૫૦૦૦ રૂપિયાનો દંડ

પારકી પંચાત કે પીઠ પાછળ નિંદા કરશો તો આ ગામમાં થશે ૫૦૦૦ રૂપિયાનો દંડ

Published : 26 February, 2026 11:13 AM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નિર્ણયને કારણે હવે ગામમાં શાંતિ, સુરક્ષા અને ભાઈચારો બની રહેશે એવી આશા છે

મેઢકી ગામ

અજબ ગજબ

મેઢકી ગામ


વિશ્વમાં થતા મોટા ભાગના ઝઘડાઓ પાછળનું મૂળ નિંદા અને પીઠ પાછળ થતી ચુગલી હોય છે. આવી નાનીઅમથી ચુગલી ક્યારેક એવું મોટું સ્વરૂપ લઈ લે છે કે વાતનું વતેસર થઈ જાય છે. છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આવેલા મેઢકી ગામમાં નિંદા કરવા પર કે પીઠ પાછળ ઘસાતું બોલવા પર કે કોઈ બોલ્યું એની ચાડી ખાવાની આદત મોંઘી પડી શકે એમ છે કેમ કે આ ગામની પંચાયતે તાજેતરમાં આવી કોઈ પણ આદત પર ભારે આર્થિક દંડ નક્કી કર્યો છે. થોડાંક અઠવાડિયાંઓ પહેલાં ગામમાં કોઈકની ચુગલી અને નિંદાને કારણે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો વકર્યો કે પંચાયત પણ સંભાળી ન શકી. હાથાપાઈ કરીને બે-ચાર જણ હૉસ્પિટલ ભેગા થયા એ પછીથી મામલો શાંત પડ્યો. એ પછી મેઢકી ગામની પંચાયતે નિયમ કાઢ્યો કે ગામના ચોક કે ચોરાહા પર બેસીને બીજાની પંચાત કરવાનું હવે ચલાવી લેવામાં નહીં આવે. કોઈની નિંદા કરવાથી કે કોઈકની લાગણી દુભાય એવું ઘસાતું બોલનારાને હવેથી દંડ થશે. ગ્રામસભામાં એ નક્કી કરવામાં આવ્યું કે સાર્વજનિક જગ્યાઓએ પર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હોય ત્યારે કોઈનીયે ભાવનાને ઠેસ પહોંચે એવી નિંદા કરવાનું ગેરકાનૂની રહેશે. જે આવું ઉશ્કેરણીજનક કામ કરવાની પહેલ કરશે તેને પાંચ હજાર રૂપિયાનો દંડ થશે. આ જ ગ્રામસભામાં ગામવાસીઓ પર જાહેરમાં દારૂ પીને તોફાન કરવા પર પણ દસ હજાર રૂપિયાનો દંડ લગાવાયો છે. ગામમાં દારૂ વેચવા પર પ્રતિબંધ છે અને બહારથી લાવીને જાહેરમાં પીવા પર પણ પ્રતિબંધ છે. 

આ દંડની રકમ ગ્રામપંચાયત પોતાની પાસે નહીં રાખે. એનો ઉપયોગ ગામના વિકાસ માટેનાં કાર્યોમાં કરવામાં આવશે. આ નિર્ણયને કારણે હવે ગામમાં શાંતિ, સુરક્ષા અને ભાઈચારો બની રહેશે એવી આશા છે. દર મહિને ગ્રામસભામાં આ નિયમને કારણે થયેલા ફાયદા-ગેરફાયદા વિશેની સમીક્ષા પણ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 11:13 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK