ઔષધીય વનસ્પતિની ખેતીને પ્રોત્સાહન આપવા થયો રાષ્ટ્રીય આરોગ્યમેળાનો પ્રારંભ
શેગાંવમાં ગઈ કાલે નૅશનલ આરોગ્ય મેલામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. તેમણે શેગાંવમાં સંત ગજાનન મહારાજનાં દર્શન પણ કર્યાં હતાં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે બુલઢાણા જિલ્લાના શેગાંવ ખાતે રાષ્ટ્રીય આરોગ્યમેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઔષધીય વનસ્પતિની ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઔષધીય વનસ્પતિની ખેતી માત્ર ખેડૂતોની આર્થિક સ્થિતિ જ નહીં પરંતુ જમીનના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
સ્વસ્થ નાગરિકો દેશને સ્વસ્થ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એ વાત પર ભાર મૂકતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમગ્ર વિશ્વમાં લોકો તનાવમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અપનાવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રીય આરોગ્યમેળો ૪ દિવસનો કાર્યક્રમ છે જેમાં કમ્યુનિટી-બેઝ્ડ હેલ્થકૅર અને આયુષ પદ્ધતિથી સારવાર અંગે જાગૃતિ લાવવામાં આવશે.
ADVERTISEMENT
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ આયુષ ક્ષેત્રમાં અસાધારણ કાર્ય કરનારા મેડિકલ પ્રૅક્ટિશનર્સની કામગીરીને બિરદાવતાં આયુર્વેદ સન્માન ગૌરવ પુરસ્કારથી તેમને સન્માનિત કર્યા હતા. તેમણે શેગાંવમાં ગજાનન મંદિરમાં આખું જીવન સમાજસેવામાં સમર્પિત કરનારા સંત ગજાનન મહારાજનાં દર્શન પણ કર્યાં હતાં.
