જોકે આ ધરપત પછી પણ સમાજનાં મહેણાંથી કંટાળીને બન્નેએ જીવન ટૂંકાવી નાખવાનો નિર્ણય લીધો
આત્મહત્યા કરનાર
કર્ણાટકના બેલગામ પાસેના મલ્લાપુર ગામમાં હચમચાવી દેનારી એક ઘટના ઘટી. બુધવારે ૨૭ વર્ષનો જગદીશ અને ૨૬ વર્ષની ગંગમ્મા નામની તેની ગર્લફ્રેન્ડના મૃતદેહ માલપ્રભા નામની નદીમાંથી મળી આવ્યા હતા. આ મૃતદેહો મળ્યા ત્યારે બન્નેનાં શરીર એકમેકને આલિંગન કરેલી અવસ્થામાં હતાં. વાત એમ હતી કે જગદીશ પહેલેથી જ ગંગમ્માને પ્રેમ કરતો હતો, પરંતુ પરિવાર અને સમાજ આ સંબંધના વિરોધમાં હતા. જગદીશે પરિવારના દબાણમાં આવીને બીજી મહિલા સાથે લગ્ન કરી લીધાં. પત્ની ગર્ભવતી પણ થઈ. જોકે ડિલિવરી માટે તે અઢી મહિના પહેલાં જ પિયર ગઈ હતી. એ દરમ્યાન જગદીશે પોતાની જૂની ગર્લફ્રેન્ડને ઘરે રહેવા માટે બોલાવી લીધી. બે મહિના તેઓ સાથે રહ્યાં. એ માટે પરિવારજનો અને સમાજે તેમને ખૂબ ભલુંબૂરું સંભળાવ્યું. જ્યારે તેની પત્નીને આ વાતની ખબર પડી ત્યારે પહેલાં તો તેણે પતિ સાથે ખૂબ ઝઘડો કર્યો હતો, પરંતુ લગ્ન પહેલાંથી તે આ સંબંધમાં હતો એવી ખબર પડતાં તેણે પતિને ધરપત આપી હતી કે ડિલિવરી થઈ ગયા પછી તે ખુદ પતિનાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરાવી આપશે. જોકે આ ધરપત પછી પણ સમાજનાં મહેણાંથી કંટાળીને બન્નેએ જીવન ટૂંકાવી નાખવાનો નિર્ણય લીધો. જગદીશ અને ગંગમ્માએ પાણીમાં કૂદતાં પહેલાં તેમનાં શરીરને કપડાંથી એકમેક સાથે બાંધી દીધાં હતાં જેથી કોઈ તેમને મૃત્યુ પછી પણ જુદાં ન કરી શકે.


