ડેવિડ વેન્કલ નામના વ્યક્તિએ મંગળવારે સ્વિટ્ઝરલૅન્ડના થીજી ગયેલા લેક સિલ્સમાં બરફની નીચે કૂદકો માર્યો હતો.

ડેવિડ વેન્કલ
ચેક રિપબ્લિકના એક ફ્રી-ડાઇવરે બરફથી ઢંકાયેલા લેકની નીચે ૧૭૦ ફુટ સુધી ડાઇવિંગ કરીને અસાધારણ નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ડેવિડ વેન્કલ નામના વ્યક્તિએ મંગળવારે સ્વિટ્ઝરલૅન્ડના થીજી ગયેલા લેક સિલ્સમાં બરફની નીચે કૂદકો માર્યો હતો. ૪૦ વર્ષના આ ડાઇવરે બરફમાં ડ્રિલ કરીને પાડવામાં આવેલા એક હોલમાંથી કૂદકો માર્યો હતો. તેણે એ સમયે વેટસૂટ પણ નહોતો પહેર્યો. તે ૫૦ મીટર ઊંડે રાખવામાં આવેલું સ્ટિકર લઈને એ જ હોલમાંથી બહાર આવ્યો હતો. તેના ચહેરા પર થોડું લોહી વહેતું દેખાયું હતું. ત્યાર બાદ તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ ચેક-અપ કરીને જણાવ્યું હતું કે તેના શરીરને ખાસ નુકસાન થયું નથી. એકથી ચાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં વેન્કલે આ પ્રયાસ માટે ૧ મિનિટ ૫૪ સેકન્ડનો સમય લીધો હતો. વેન્કલે ઑલરેડી ૨૦૨૧માં ચેક રિપબ્લિકના થીજી ગયેલા લેકમાં સૌથી વધુ અંતર સુધી સ્વિમિંગ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ કર્યો છે.