લેહ-લદ્દાખમાં ફરવા માટે જુલાઈ સૌથી બેસ્ટ મહિનો હોય છે.
લાઇફમસાલા
લદાખ એરપોર્ટ
ભારતની સૌથી ઠંડી જગ્યામાંની એક લદ્દાખમાં હાલમાં ખૂબ જ ગરમી પડી રહી છે. સિયાચીન ગ્લૅસિયર અને જમ્મુ ઍન્ડ કાશ્મીરના દ્રાસ બાદ સૌથી વધુ ઠંડી લદ્દાખમાં પડે છે. જોકે છેલ્લા ચાર દિવસથી ત્યાં ખૂબ જ ગરમી પડી રહી છે અને એથી ઘણી ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી છે. મંગળવારે સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ટોટલ ચાર ફ્લાઇટ કૅન્સલ થઈ હતી. છેલ્લા ચાર દિવસમાં હીટવેવને કારણે લદ્દાખની ૧૬ ફ્લાઇટ કૅન્સલ થઈ હતી. લદ્દાખનું ઍરપોર્ટ ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું ઍરપોર્ટ છે. લેહમાં ૩૨ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થઈ ગયું હતું. હીટવેવને કારણે હવા ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. પાતળી હવાને કારણે ફ્લાઇટના એન્જિનમાં પ્રેશર નથી બનતું અને એને કારણે ઊડવામાં તકલીફ પડે છે. આ કારણસર ફ્લાઇટને કૅન્સલ કરવામાં આવી રહી છે. તેમ જ પ્રવાસીઓ માટે પણ લેહ-લદ્દાખમાં ફરવા માટે જુલાઈ સૌથી બેસ્ટ મહિનો હોય છે. જોકે આ સમયને ખૂબ જ સારો સમજીને ત્યાં જનાર હવે પસ્તાઈ રહ્યા છે. તેમના માટે આ ટ્રાવેલ-ટ્રિપ હવે ટૉર્ચર-ટ્રિપ બની ગઈ હોવાનું તેઓ સોશ્યલ મીડિયા પર કહી રહ્યા છે. હીટવેવને કારણે પહેલી વાર એવું બન્યું છે કે લેહમાં આટલા દિવસમાં આટલી ફ્લાઇટ કૅન્સલ થઈ હોય.