જૂન મહિનામાં બનેલી આ ઘટના માટે ચાઇનીઝ ટ્રાફિક-પોલીસે તેમને હવે પેનલ્ટી મોકલી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ચીનમાં એક જૂની ઘટના અત્યારે ફરી ચર્ચામાં આવી છે. વાત એમ છે કે ડ્રન્કન ડ્રાઇવિંગ ચીનમાં ક્રિમિનલ ગુનો ગણાય છે. જો તમે ડ્રાઇવિંગ-સીટ પર બેઠા હો અને મોંમાં ૮૦ મિલીગ્રામ જેટલા આલ્કોહૉલનું પ્રમાણ જણાય તો પણ ગુનો બહુ ગંભીર બને છે. આ જ કારણોસર જૂન મહિનામાં ત્રણ ભાઈબંધોએ એક પબમાંથી નીકળીને ડ્રાઇવ કરવાને બદલે કારને પુશ કરવાનું નક્કી કર્યું. એક દોસ્તે આગળનો દરવાજો ખોલીને સીટ પર બેઠા વિના જ સ્ટીઅરિંગ પકડી રાખ્યું હતું, જ્યારે બીજા બે દોસ્તો પાછળથી ધક્કો મારી રહ્યા હતા. તેમણે આ જ કન્ડિશનમાં ઘર સુધી ગાડીને પુશ કરવાને બદલે નજીકમાં આવેલા ઓળખીતા ગૅરેજવાળાને ત્યાં કાર મૂકવાનું નક્કી કરેલું. જોકે એ દરમ્યાન પણ રસ્તા પર કારને પુશ કરવાને કારણે બીજા લોકોને હેરાનગતિ થઈ હતી. જૂન મહિનામાં બનેલી આ ઘટના માટે ચાઇનીઝ ટ્રાફિક-પોલીસે તેમને હવે પેનલ્ટી મોકલી છે. પોલીસનું કહેવું છે કે જેમ દારૂ પીને ડ્રાઇવ કરવું એ ગુનો છે એવી જ રીતે કારણ વિના કારને પુશ કરીને રસ્તે જતા બીજા લોકોને અગવડ કરવી એ પણ ગેરકાનૂની જ છે.
