Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ ૧૨૬ ડૉલર બોલાયું, બજાર ૧૨૩૭ પૉઇન્ટ્સ તૂટ્યા પછી ૫૮૩ પૉઇન્ટ્સ નરમ

ક્રૂડ ૧૨૬ ડૉલર બોલાયું, બજાર ૧૨૩૭ પૉઇન્ટ્સ તૂટ્યા પછી ૫૮૩ પૉઇન્ટ્સ નરમ

Published : 01 May, 2026 08:01 AM | IST | Mumbai
Anil Patel

ડૉલર સામે રૂપિયો ગગડતો રહી નવા ઑલટાઇમ તળિયે : બાયબૅક માટે ૬ મેએ બોર્ડ મીટિંગ જાહેર થતાં બજાજ ઑટો ૪૫૦ રૂપિયાની તેજીમાં : ફોર્સ મોટર નફો ઘટતાં ૧૦૮૦ રૂપિયા તૂટ્યો : એક્સ-ડીમર્જ થતાં વેદાન્ત ડિસ્કવર્ડ પ્રાઇસથી સાડાછ ટકા ઘટીને બંધ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. અજની એન્ટરપ્રાઇઝિસ ૪૦૧૫ કરોડના નેટ નફામાંથી ૧૬૭ કરોડની નેટ લૉસમાં
  2. પરિણામ પૂર્વે શૅર સાધારણ નરમ
  3. એમટાર ટેક્નૉલૉજી નવી ટોચે જઈ ૭૯૭ રૂપિયાના ઉછાળામાં બંધ

અમેરિકા-ઈરાન વચ્ચે વૉરની સ્ટાઇલમાં શાંતિ માટેની વાચચીત ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડ વધતું રહી ૧૨૬ ડૉલરની પાર ૪ વર્ષની ટોચે જઈ ૧૨૩ ડૉલર આસપાસ બોલાઈ રહ્યું છે. અમેરિકન શૅરબજારનો ડાઉ ઇન્ડેક્સ સતત પાંચમા દિવસે ઘસાઈ ૪૮,૮૬૧ બુધવારની મોડી રાત્રે બંધ થયો છે. એશિયન બજારો પણ વળતા દિવસે બહુધા નરમ હતાં. ઇન્ડોનેશિયા ગઈ કાલે ૨.૧ ટકા, તાઇવાન એક ટકો, જૅપનીઝ નિક્કી સવા ટકાથી વધુ, થાઇલૅન્ડ નહીંવત્ માઇનસ થયું છે. સિંગાપોર એક ટકો સુધરીને અપવાદ હતું. યુરોપ ખાતે લંડન ફુત્સી એક ટકો પ્લસ હતો. અન્ય બજાર રનિંગમાં અડધાથી પોણો ટકો ડાઉન હતાં. પાકિસ્તાની શૅરબજાર નીચામાં ૧,૬૦,૩૯૧ બતાવી રનિંગમાં ૩૮૫૭ પૉઇન્ટ્સ ખરડાઈ ૧,૬૧,૯૬૭ દેખાયું છે. ડૉલર સામે રૂપિયો સતત માર ખાઈ રહ્યો છે. ૯૪.૮૬ના આગલા બંધ સામે ગુરુવારે વધુ ગગડી ૯૫.૩૪ થઈ ૯૪.૯૨ આસપાસ દેખાયો છે. મતલબ કે ડૉલર સામે રૂપિયાએ નવો વરવો વિક્રમ સર કર્યો છે. સોનું એકાદ ટકો સુધરી ૪૬૦૦ ડૉલર આસપાસ આવ્યું છે. ચાંદી બે ટકા વધી ૭૩.૫૦ ડૉલર ઉપર ગઈ છે. બિટકૉઇન ૭૫,૭૮૬ ડૉલરે ફ્લૅટ હતો.

સેન્સેક્સ આગલા બંધથી ૪૮૨ પૉઇન્ટ્સ નરમ, ૭૭,૦૧૪ ખૂલી છેવટે ૫૮૩ પૉઇન્ટ્સ ઘટીને ૭૬,૯૧૩ તો નિફ્ટી ૧૮૦ પૉઇન્ટ્સ ઘટીને ૨૩,૯૯૭ ગઈ કાલે બંધ હતો. શૅર આંક ઉપરમાં ૭૭,૨૫૪ તથા નીચામાં ૭૬,૨૫૯ થયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૨૯૫ શૅરની સામે ૧૯૭૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૫.૩૩ લાખ કરોડ ઘટીને ૪૬૩.૨૯ લાખ કરોડ જોવાયું છે. બજાર આજે, શુક્રવારે મહારાષ્ટ્ર દિન નિમિત્તે રજામાં રહેવાનું છે.



વેદાન્ત તરફથી મલ્ટિપલ ડીમર્જરમાં શૅર એક્સ ડીમર્જ થતાં ભાવ ૭૭૩ના આગલા બંધ સામે ડિસ્કવરી પ્રાઇસમાં ૨૮૯ નક્કી થયો હતો. દિવસ દરમ્યાન રેટ ઉપરમાં ૨૯૧ તથા નીચામાં ૨૬૯ બતાવી અંતે ૨૭૧ બંધ રહ્યો છે. એ ડિસ્કવર્ડ પ્રાઇસના મુકાબલે સાડાછ ટકા ઘટાડો બતાવે છે. ડીમર્જરના પગલે વેદાન્તના શૅરધારકોને ઍલ્યુમિનિયમ, પાવર, ઑઇલ-ગૅસ તેમ જ સ્ટીલ બિઝનેસ માટે મળશે. રેશિયો વેદાન્તના પ્રત્યેક શૅરદીઠ નવી દરેક કંપનીના એક શૅરનો રહેશે.


એમટાર ટેક્નૉલૉજી જેની અગ્રણી સપ્લાયર છે એ કંપની બ્લૂમ એનર્જી તરફથી પ્રથમ ક્વૉર્ટરનાં સ્ટ્રૉન્ગ પરિણામ સાથે ગાઇડન્સિસ અપગ્રેડ કરવામાં આવતાં એની હૂંફમાં એમટાર ટેક્નૉલૉજીનો શૅર ગઈ કાલે આઠ ગણા વૉલ્યુમે ૬૭૫૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૪ ટકા કે ૭૯૭ રૂપિયા ઊછળી ૬૪૫૧ બંધ રહ્યો છે. ગયા વર્ષે ૭ મેએ ભાવ ૧૩૫૦ના તળિયે હતો. બાયોકૉન ગ્રુપની સિન્જેન ઇન્ટરનૅશનલનો નફો ૧૯ ટકા ઘટી ૧૪૮ કરોડ થયો છે. આવક નજીવી વધી ૧૦૩૬ કરોડ થઈ છે, છતાં શૅર ૨૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીમાં ૫૧૮ વટાવી ૮.૩ ટકાના જમ્પમાં ૪૬૯ બંધ હતો. HFCLની આવક ૧૨૭ ટકા વધી ૧૮૨૪ કરોડ થતાં કંપની ૮૧ કરોડની નેટ લૉસમાંથી ૧૭૮ કરોડના નેટ નફામાં આવી છે. સરવાળે શૅર ૧૧૯ ઉપર નવી ટૉપ બનાવી ૮.૨ ટકા ઊછળી ૧૧૬ થયો છે. મિશો લિમિટેડમાં જે.પી. મૉર્ગને ૨૧૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપતાં શૅર નવ ગણા વૉલ્યુમે ૧૯૬ થઈ ૧૧.૭ ટકાની તેજીમાં ૧૯૩ બંધ આવ્યો છે.

વૅલ્યુ 360 કમ્યુનિકેશન્સ સોમવારે SME ઇશ્યુ લાવશે


આગામી સપ્તાહે સોમવારે SME સેગમેન્ટમાં નવી દિલ્હીની વૅલ્યુ 360 કમ્યુનિકેશન્સ ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડમાં કુલ ૪૧૬૯ લાખનો NSE SME ઇશ્યુ કરવાની છે. એમાંથી ઑફર ફૉર સેલ ચાર કરોડ રૂપિયાની છે. માર્કેટમેકર માટે બે કરોડના શૅર અલગ રખાશે. ઇશ્યુમાં QIB પોર્શન માંડ બે ટકા છે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ તેમ જ PR સર્વિસિસ  ક્ષેત્રે કાર્યરત છે. કંપનીએ ૨૦૨૪-’૨૫માં પોણાઆઠ ટકા વધારામાં ૫૪૭૪ લાખની આવક ઉપર ૪૦૫ ટકા વૃદ્ધિદરથી ૫૭૯ લાખ નેટ નફો કર્યા પછી ગયા વર્ષે ૧૦ મહિનામાં ૫૫૦૮ લાખની આવક અને ૭૬૨ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. છેલ્લા ૧૦ મહિનામાં દેવું ૬૭ ટકા વધીને ૧૬૬૭ લાખ થઈ ગયું છે. ગ્રે માર્કેટમાં કામકાજ શરૂ થયું નથી.

મેઇન બોર્ડમાં મુંબઈના કુર્લા વેસ્ટની ONEMI (વનઈએમઆઇ) ટેક્નૉલૉજીનો એક રૂપિયાના શૅરદીઠ ૧૭૧ની અપરબૅન્ડમાં કુલ ૯૨૬ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૬ ટકા સહિત કુલ ૨૭ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ આગલા દિવસના પાંચથી ઘટીને હાલ ચાર રૂપિયા બોલાય છે.

મહારાષ્ટ્રના પુણે ખાતેની ઑટોસૉફ્ટ ટેક્નૉલૉજ ૧૦ના શૅરદીઠ ૧૭૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૧૦થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૨૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૨૦૫ ખૂલી ઉપરમાં ૨૧૫ બતાવી ત્યાં જ બંધ રહેતાં એમાં પચીસ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૭૪ કરોડ રૂપિયાનો આ SME IPO રીટેલમાં ૪૭ ગણો, HNIમાં ૧૨૦ ગણો અને QIBમાં ૯૮ ગણો એમ કુલ મળીને ૭૭.૫ ગણો છલકાયો હતો. 

બહેતર પરિણામમાં પ્રારંભિક સુધરી હિન્દુસ્તાન યુનિલીવર ગગડી

બજાજ ફાઇનૅન્સે માર્ચ ક્વૉર્ટરમાં ૨૦ ટકા વધારામાં ૧૧,૭૮૧ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર બાવીસ ટકા વધારામાં ૫૪૬૫ કરોડ નેટ નફો કર્યો છે. એકંદર અપેક્ષા ૧૧,૮૫૩ કરોડની આવક તથા ૫૫૨૪ કરોડના નફાની હતી એ જોતાં પરિણામ સાધારણ કહી શકાય. જોકે બ્રોકરેજ હાઉસિસ HSBCએ ૧૧૦૦, નોમુરાએ ૧૧૪૦ તથા જેફરીઝે ૧૨૧૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી કર્યા છે. જેપી મૉર્ગને ૧૦૮૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. એક માત્ર મેકવાયરે ૮૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ આપ્યો છે. શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજે ઉપરમાં ૯૭૫ વટાવી પોણો ટકો વધી ૯૩૬ બંધ હતો. બજાજ ઑટોનાં રિઝલ્ટ ૬ મેએ છે એમાં પરિણામ સાથે શૅરના બાયબૅકનો એજન્ડા સામેલ કરાયો છે. એની અસરમાં ભાવ ઉપરમાં ૧૦,૦૪૫ થઈ નિફ્ટી ખાતે પોણાપાંચ ટકા વધી ૯૯૯૪ બંધ રહ્યો છે. BSEમાં શૅર ૪૫૬ વધી ૯૯૯૮ નજીક બંધ હતો.

FMCG મલ્ટિનૅશનલ હિન્દુસ્તાન યુનિલીવરે સાડાસાત ટકા વધારામાં ૧૬,૩૫૧ કરોડની આવક પર ૨૧ ટકાના વૃદ્ધિદરમાં ૨૯૯૨ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ બાવીસ રૂપિયા આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. રિઝલ્ટ એકંદર અપેક્ષા કરતાં સારાં છે. ભાવ ગઈ કાલે બમણાં વૉલ્યુમે ઉપરમાં ૨૩૬૯ થયા પછી પોણાત્રણ ટકા ખરડાઈ ૨૨૫૦ બંધ થયો છે. નેસ્લે ઇન્ડિયા પણ નવા શિખરની હારમાળામાં વિરામ લેતાં અડધો ટકો ઘટી ૧૪૫૮ રહી છે. આગલા દિવસની ટૉપ ગેઇનર ITC ઉપરમાં ૩૧૮ નજીક જઈ છેવટે અડધો ટકો ઘટીને ૩૧૫ હતી. મારુતિ સુઝુકી નીચામાં ૧૨,૯૭૫ થઈ ૦.૪ ટકા કે ૫૩ રૂપિયા સુધરી ૧૩,૩૧૩ થઈ છે. મહિન્દ્ર ૧.૮ ટકા, આઇશર એક ટકો, તાતા મોટર્સ પૅસેન્જર ૩.૨ ટકા ઘટી હતી. અન્ય ઑટો શૅરમાં સિયેટ ૪.૮ ટકા, અપોલો ટાયર ૩.૮ ટકા, અશોક લેલૅન્ડ ૨.૨ ટકા, TVS મોટર દોઢ ટકા, તાતા મોટર ૧.૭ ટકા, એથર એનર્જી અડધો ટકો ઘટી હતી. 

માર્જિનના વસવસામાં વારિ એનર્જીમાં ૧૧ ટકાનું ગાબડું

ફોર્સ મોટર્સે માર્ચ ક્વૉર્ટરમાં સવાઆઠ ટકા વધારામાં ૨૫૫૦ કરોડની આવક ઉપર ૪૦ ટકા ઘટાડામાં ૨૭૮ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૫૦ રૂપિયા કે ૫૦૦ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ત્રણ ગણા કામકાજે નીચામાં ૧૯,૫૨૫ થઈ સવાપાંચ ટકા કે ૧૦૯૦ રૂપિયા ગગડી ૧૯,૯૦૦ બંધ હતો. વારિ એનર્જીએ માર્ચ ક્વૉર્ટરમાં બમણાથી વધુ એવી ૮૪૮૦ કરોડની આવક ઉપર ૭૧ ટકા વધારામાં ૧૦૬૧ કરોડ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. કંપનીનું ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન ૨૩ ટકાથી ગગડી સાડાઅઢાર ટકા નોંધાયું છે. એમાં શૅર ત્રણ ગણા કામકાજે નીચામાં ૩૦૯૮ બતાવી ૧૧ ટકા કે ૩૮૪ રૂપિયા ખરડાઈ ૩૧૧૭ બંધ રહ્યો છે. વારિ ટેક્નૉલૉજીસ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૯૩ થઈ ત્યાં જ બંધ હતી. વારિ રિન્યુએબલ ૨.૨ ટકા ઘટી ૧૦૧૯ હતી. મફતલાલ ગ્રુપની નવીન ફ્લોરિનની ત્રિમાસિક આવક ૩૩.૮ ટકા વધી ૯૩૮ કરોડ તથા નફો ૧૨૪ ટકા વધીને ૨૧૩ કરોડ થયો છે. શૅરદીઠ ૮.૬૦ રૂપિયા આખરી ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ૧૫ ગણા વૉલ્યુમે ૭૨૦૮ ઉપર ઑલટાઇમ હાઈ બતાવી હેવી પ્રૉફિટ બુકિંગમાં નીચામાં ૬૬૬૨ થઈ પોણો ટકો સુધરી ૬૮૧૩ બંધ થયો છે.

બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્સ સર્વિસિસે ત્રિમાસિક ગાળામાં ૨૭ ટકાના વધારામાં ૨૬૯૨ કરોડની કુલ આવક ઉપર અગાઉના ૫૬૬ કરોડના નફા સામે ૨૨૧ કરોડની નેટ લૉસ કરી છે. શૅર જોકે ઉપરમાં ૮૧૫ થઈને બે ટકા વધી ૮૦૧ હતો. HEGC લિમિટેડની આવક ૧૨ ટકા વધી ૬૦૩ કરોડ થઈ છે. ચોખ્ખી ખોટ ૭૪ કરોડથી વધી ૧૧૪ કરોડ નજીક પહોંચી છે. શૅર નીચામાં ૫૮૦ થઈ ૯.૪ ટકાની ખરાબીમાં ૫૯૬ બંધ રહ્યો છે. અગાઉ ITD સિમેન્ટેશન તરીકે ઓળખાતી અને હાલ અદાણી ગ્રુપની કંપની એવી સેમઇન્ડિયા પ્રોજેક્ટ્સની આવક ૧૭ ટકા વધી છે પણ નફો ૧૧૩ કરોડથી બેવડાઈ ૨૪૨ કરોડ થતાં ભાવ તેજીમાં ૮૧૪ વટાવી ૨૦ ટકા ઊછળી ૮૧૪ થયો છે.   

પરિણામ પાછળ અદાણી પોર્ટ્‍સ નવા શિખરે, એટર્નલમાં નરમાઈ

અદાણી પોર્ટ્‍સ દ્વારા ૨૬.૫ ટકા વધારામાં ૧૦,૭૩૭ કરોડની આવક ઉપર સાડાદસ ટકા વૃદ્ધિદરથી ૩૩૨૯ કરોડ નેટ નફો મેળવી બેના શૅરદીઠ સાડાસાત રૂપિયા ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ગઈકાલે બે ઘણા કામકાજમાં નીચામાં ૧૫૯૭ થઈ એક ટકો સુધરી ૧૬૭૭ના શિખરે બંધ હતો. અદાણી ગ્રુપની અદાણી એનર્જી નીચામાં ૧૩૦૮ થઈ સાડાપાંચ ટકા કે ૭૭ રૂપિયા તૂટી ૧૩૪૨ થઈ છે. અદાણી ગ્રીન દોઢ ટકા નરમ તો અદાણી પાવર ૧.૪ ટકા વધી હતી. અદાણી ટોટલ ૩.૪ ટકા ગગડી ૬૩૫ રહી છે. ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ પરિણામ પૂર્વે નીચામાં ૨૩૨૮ અને ઉપરમાં ૨૪૧૯ થઈ ૦.૯ ટકા ઘટી ૨૪૦૪ બંધ આવી છે. કામકાજ બમણું હતું.

પરિણામની અસરમાં સતત ત્રણ દિવસથી વધી રહેલી રિલાયન્સ ગઈ કાલે ઉપરમાં ૧૪૩૬ થઈને નહીંવત્ વધી ૧૪૩૧ બંધ આવી છે. જિયો ફાઇનૅન્શિયલ ૧.૭ ટકાની નરમાઈમાં ૨૪૬ હતી. HDFC બૅન્ક એક ટકો ઘટી બજારને ૯૮ પૉઇન્ટ્સ તથા ICICI બૅન્ક ૧.૧ ટકા ઘટી ૮૫ પૉઇન્ટ્સ નડી છે. લાર્સનનાં પરિણામ પાંચ મેએ આવવાનાં છે. શૅર ગઈ કાલે બે ટકા ઘટી ૪૦૧૨ હતો. ઍક્સિસ બૅન્ક ૧.૬ ટકા બગડી ૧૨૭૫ હતી. સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા માઇનસ થઈ છે. એટર્નલ ૨.૯ ટકા બગડીને ૨૪૭ હતી. હિન્દાલ્કો ૨.૭ ટકા તો તાતા સ્ટીલ ૨.૧ ટકા ડૂલ થઈ છે. ઇન્ફોસિસ સવા ટકા અને ટેક મહિન્દ્ર એકાદ ટકો સુધરી હતી. HCL ટેક્નૉલૉજી નજીવી નરમ તો TCS ફ્લૅટ બંધ હતી. વિપ્રો ૨૦૧ના લેવલે યથાવત્ રહી છે. સનફાર્મા ૧.૬ ટકા વધી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બની છે. બજાજ ઑટો ઉપરમાં ૧૦,૦૪૫ બતાવી પોણાપાંચ ટકા કે ૪૫૦ રૂપિયા ઊંચકાઈ ૯૯૯૪ બંધમાં નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બની છે. ONGC ૩૦૭ની મલ્ટિયર ટૉપ બનાવી અડધો ટકો ઘટી ૨૯૯ હતી. એમ્ફાસિસે ૧૪ ટકા વધારામાં ૫૧૦ કરોડ નફા સાથે શૅરદીઠ ૬૨ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૨૩૫૦ નજીક જઈ સવા ટકો સુધરી ૨૨૭૫ બંધ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 08:01 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK