ભગવાન રામ-સીતાનાં લગ્નમાં ચંદ્રદેવની હાજરી નહોતી એટલે ખાસ તેઓ અટેન્ડ કરી શકે એ માટે પૂર્ણિમા વખતે સાંજના સમયે આ કલ્યાણમની વિધિ કરવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં આવેલા વોન્ટિમિટ્ટા મંદિરમાં ગઈ કાલે રામ-સીતાના વિવાહનો ભવ્ય પ્રસંગ ઊજવાયો
આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં આવેલા વોન્ટિમિટ્ટા મંદિરમાં ગઈ કાલે રામ-સીતાના વિવાહનો ભવ્ય પ્રસંગ ઊજવાયો. રામ-સીતા કલ્યાણમની આ વિધિ માટે ભક્તોએ ભગવાન રામને પોંખવા માટેના ચોખા ખાસ વિધિથી તૈયાર કર્યા હતા. આ માટે ભક્તો દ્વારા ચોક્કસ જાતિના લાંબા ચોખા ઉગાડીને એને ખાસ વિધિથી તૈયાર કરવામાં આવે છે. એક-એક ચોખાના દાણાને ડાંગરમાંથી છડીને હાથેથી એનાં ફોતરાં કાઢીને અક્ષત તૈયાર કરવામાં આવે છે. અક્ષત એટલે કે જરાય તૂટ્યા વિનાના આખા ચોખાને હળદરથી પૂજવામાં આવે છે. ભક્તોએ છેલ્લા ત્રણ મહિનાથી એક કરોડ અક્ષત તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. હાથેથી છોતરાં કાઢીને પૂજવાની વિધિમાં ભાગ લેનારા ભક્તોએ પણ ચોક્કસ વ્રત પાળવું પડે છે. એક કરોડ દાણાનું વજન લગભગ ૧૨૦ કિલો જેટલું થયું હતું. સ્થાનિક ભાષામાં એને ગોટી તાલમ્બ્રાલુ કહેવાય છે. આ અક્ષત તૈયાર કરવા માટે આંધ્ર પ્રદેશ ઉપરાંત તેલંગણ, તામિલનાડુ, કર્ણાટક, કેરલા અને દિલ્હીથી આવેલા ભક્તોએ ભાગ લીધો હતો. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ અને રાજ્ય સરકારના સહયોગથી થઈ રહેલા આ વિવાહમાં ૭૦,૦૦૦થી વધુ ભક્તો ભાગ લેશે. ભગવાનનાં લગ્નની વિધિ ગઈ કાલે સાંજે પોણાસાતથી સાડાઆઠ વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે ભગવાન રામ-સીતાનાં લગ્નમાં ચંદ્રદેવની હાજરી નહોતી એટલે ખાસ તેઓ અટેન્ડ કરી શકે એ માટે પૂર્ણિમા વખતે સાંજના સમયે આ કલ્યાણમની વિધિ કરવામાં આવી હતી.

