અહીં પાળતુ ડૉગીઝ ધરાવતા પેરન્ટ્સ પોતાના કૂતરાઓને એમના દેવતા પાસે માથું નમાવવા લઈને આવે છે
ચીનમાં આવેલું મંદિર
છેલ્લા કેટલાક દિવસથી ચીનમાં આવેલું એક મંદિર ખૂબ ચર્ચામાં છે. અહીં પાળતુ ડૉગીઝ ધરાવતા પેરન્ટ્સ પોતાના કૂતરાઓને એમના દેવતા પાસે માથું નમાવવા લઈને આવે છે. ચિઓઉ શહેરમાં જિઉહુઆ નામનો માઉન્ટન ચીનના ૪ મુખ્ય માઉન્ટન્સમાંનો એક છે. આ પર્વત પાસે એક અનોખો સ્તૂપ બનાવવામાં આવ્યો છે જે કૂતરાઓના દેવતાને સમર્પિત છે. એ દીટિંગ તરીકે ઓળખાય છે. આ સ્તૂપની સામે ડૉગીઝ માટેનું ભોજન, નાસ્તા અને ડૉગીઝનાં રમકડાં ગિફ્ટ તરીકે મૂકવામાં આવે છે. બૌદ્ધ ધર્મનાં મંદિરોની વચ્ચે આવેલો આ દીટિંગનો સ્તૂપ ખાસ ડૉગીઝ માટે જ છે અને એ માટે એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે આપદાઓથી પૃથ્વીનું રક્ષણ કરનારા બોધિસત્ત્વ નામના સાધુએ એક સફેદ કૂતરાને પાળ્યો હતો જે તેમની આધ્યાત્મિક સફરમાં પણ સાથે ચાલતો હતો. જિઉહુઆ પર્વત પર બોધિસત્ત્વએ જ્ઞાન પ્રાપ્ત કરતાં એ કૂતરો દિવ્ય સ્વરૂપમાં બદલીને દીટિંગ નામે પૌરાણિક પ્રાણી બની ગયો હતો.
આ પ્રાણીના માથા પર વાઘનો ચહેરો, એક શિંગડું, કૂતરાના કાન, ડ્રૅગન જેવું શરીર અને સિંહ જેવી પૂંછડી હતી. દીટિંગ બુદ્ધિમાન, ન્યાયપ્રિય અને નિષ્ઠાનું પ્રતીક હોવાથી એ માણસોનાં હૃદયને વાંચી લેતું હતું. આ વાર્તા સાંભળીને દેશભરના લોકો આ મંદિરમાં પોતાના પાળતુ પ્રાણીઓને લઈને આવે છે અને દીટિંગ પ્રભુને ચરણસ્પર્શ કરાવે છે. આ મંદિરમાં પ્રાણીઓનો પ્રવેશ ફ્રી છે, પરંતુ જો કોઈ માણસને સાથે જવું હોય તો એ માટે ૮૫૦ રૂપિયાની ફી છે. હવે તો આ સ્થળ માત્ર આસ્થાની દૃષ્ટિએ જ નહીં પરંતુ જોવાલાયક જગ્યા તરીકે પણ પ્રસિદ્ધ છે. અહીં લોકો પોતાના ડૉગીઝની રક્ષા માટે તાવીજ બનાવડાવે છે જેની કિંમત ૧૨૦૦ રૂપિયા હોય છે.


