તેમણે ૧૩ વર્ષ પહેલાંનો ઇટલીના ટીવી-શો પર થયેલો ૩ મિનિટ ૨૪ સેકન્ડનો રેકૉર્ડ તોડ્યો હતો
બેથ નીલે અને માઇલ્સ ક્લાઉટિયર
એક પ્રેમી યુગલે પાણીની અંદર લાંબા સમય સુધી કિસ કરીને વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી અનોખી રીતે કરી છે. સાઉથ આફ્રિકાનો બેથ નીલે અને કૅનેડાની માઇલ્સ ક્લાઉટિયરે મૉલદીવ્ઝના દરિયામાં ૪ મિનિટ ૬ સેકન્ડ સુધી કિસ કરી હતી. તેમણે ૧૩ વર્ષ પહેલાંનો ઇટલીના ટીવી-શો પર થયેલો ૩ મિનિટ ૨૪ સેકન્ડનો રેકૉર્ડ તોડ્યો હતો. આ દંપતી ડાઇવર્સ છે અને પોતાની દોઢ વર્ષની દીકરી નેવે સાથે સાઉથ આફ્રિકા રહે છે. રેકૉર્ડ માટે તેઓ આફ્રિકાથી મૉલદીવ્ઝ આવ્યાં હતાં. સવારે ૭.૩૦ વાગ્યાથી તેમણે રેકૉર્ડ માટેની તૈયારી શરૂ કરી અને પાણીમાં સતત બે-ત્રણ મિનિટ સુધી કિસ કરી હતી. તેમને આ રેકૉર્ડ તોડવાનો વિચાર ત્રણ વર્ષ પહેલાં આવ્યો હતો. જોકે તેમને શરૂઆતમાં આ વાત સહેલી લાગી હતી, પરંતુ પછીથી ખબર પડી કે એ બહુ પડકારજનક છે. માત્ર ત્રણ દિવસ પહેલાં તેઓ જૂના રેકૉર્ડની નજીક પહોંચી શકતાં નહોતાં. બેથ નીલે પોતાના સ્ટુડન્ટને જે વાત કહેતો હતો એનો અમલ તે પોતે પણ કરી શકતો નહોતો. જોકે ફ્રી ડાઇવ ચૅમ્પિયન તરીકે તેણે સાઉથ આફ્રિકામાં ઘણા નૅશનલ રેકૉર્ડ બનાવ્યા હતા, પરંતુ અન્ડર વૉટર કિસ એક નવું જ કામ હતું. શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતાં બન્ને સપાટી પર આવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ૪૦ વર્ષનો બેથ અને ૩૩ વર્ષની માઇલ્સે રેકૉર્ડનું શૂટિંગ કરવા માટે અન્ડરવૉટર વિડિયોગ્રાફરની મદદ લીધી હતી. દરિયાકાંઠા પર પણ અનેક લોકો તેમને પ્રોત્સાહન આપવા માટે હાજર હતા. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી, પણ લોકો બૂમાબૂમ કરતા રહ્યા હતા. જોકે પાણીની અંદર તેમને કંઈ સંભળાતું નહોતું.
