પ્રેમમાં એ શક્તિ છે જે વ્યક્તિને અંદરથી બદલી શકે છે. તમે જેવા છો એવા જ તમને અપનાવનારા પાર્ટનરના પ્રેમમાં તમે પડો તો એ પાર્ટનર તો તમને ન જ બદલે પણ તેના પ્રત્યેનો અથાગ પ્રેમ તમને ચોક્કસ બદલે છે અને વધુ ને વધુ સારા માણસ બનાવે છે
વૅલેન્ટાઇન સ્પેશ્યલ
ભામિની ઓઝા ગાંધી અને પ્રતીક ગાંધી.
પ્રેમમાં એ શક્તિ છે જે વ્યક્તિને અંદરથી બદલી શકે છે. તમે જેવા છો એવા જ તમને અપનાવનારા પાર્ટનરના પ્રેમમાં તમે પડો તો એ પાર્ટનર તો તમને ન જ બદલે પણ તેના પ્રત્યેનો અથાગ પ્રેમ તમને ચોક્કસ બદલે છે અને વધુ ને વધુ સારા માણસ બનાવે છે. આજે જાણીએ જાણીતા કલાકારો પાસેથી કે તેમના જીવનમાં પ્રેમ શું બદલાવ તાણી લાવ્યો
પ્રેમમાં એ પારસમણિ છે જે વ્યક્તિના મનને સોનું બનાવી દે છે. સાચો પ્રેમ વ્યક્તિને ઈશ્વરની નજીક એટલે લઈ જાય છે, કારણ કે એમાં એ શક્તિ છે કે એ વ્યક્તિને અંદરથી બદલી શકે છે. ઘણા લોકો પ્રેમને મજબૂરી સાથે જોડતા હોય છે, પણ મોટા ભાગના લોકો માટે પ્રેમ એમની તાકાત બને છે. વ્યક્તિને પ્રેમ થયા પછી તે ઘણી બદલાઈ જાય છે. તેનો પાર્ટનર તેને બદલે-ન બદલે, પ્રેમ ભાવ જ એવો છે કે તેને એ બદલી નાખે છે. આ બદલાવ એટલો નાજુક હોય છે કે એ ધીમે-ધીમે આવે છે અને કાયમી માટે મનમાં ઘર કરી જાય છે. થોડાં વર્ષો પછી ચોક્કસ એ એહસાસ થાય છે કે હું પહેલાં આવો તો નહોતો કે નહોતી. જોકે મજાની વાત એ છે કે સાચો પ્રેમ વ્યક્તિમાં જે બદલાવ લાવે છે એ હંમેશાં સારો જ બદલાવ હોય છે.
ADVERTISEMENT
પરસ્પરના પ્રેમે આપી મને સ્થિરતા અને સ્ટ્રેંગ્થ
પ્રેમમાં ખૂબ તાકાત છે અને એ તાકાત તમને પણ બળ આપે છે. અંદરથી વિશ્વાસ જગાવે છે કે તમે જે પણ કરી રહ્યા છો એ યોગ્ય છે એમ જણાવતાં પ્રતીક ગાંધી કહે છે, ‘મારા મતે પ્રેમ એક ઍન્કર છે. જેમ એક ઍન્કર વડે જહાજ સ્ટેબલ એટલે કે સ્થિર થાય છે અને એના થકી જ જહાજને સ્ટ્રેંગ્થ એટલે કે તાકાત મળે છે. પ્રેમ વડે વ્યક્તિ સ્થિર થાય છે અને તેને જીવવાની સ્ટ્રેંગ્થ મળે છે. પ્રેમે મને અંદરથી ઘણો સ્થિર કર્યો છે. ગમેતેવી પરિસ્થિતિમાં પણ હું સ્થિર રહી શકું છું એ બદલાવ મારા જીવનમાં પ્રેમ થકી આવ્યો છે. મને ભામિની સાથે પ્રેમ થયો ત્યારે મારી પાસે કંઈ જ નહોતું. ન પૈસો, ન નોકરી કે ન ઘર. હું એ બધું જ કરી શક્યો, કારણ કે મારા પ્રેમ થકી મને એ તાકાત મળી. જેને પહેલી વાર મળીને લાગે કે બસ, આ જ એ વ્યક્તિ છે જેની સાથે તમે આખું જીવન પસાર કરવા માગો છો એ પહેલી નજરના પ્રેમમાં પણ વિચારો કેટલી તાકાત છે કે એક સામાન્ય વ્યક્તિને એ અંદરથી કેટલો સ્ટ્રૉન્ગ બનાવી દે છે કે એ જીવનમાં બધું જ મેળવી શકવા સમર્થ બને છે. આ એ બદલાવ છે જે પ્રેમ વડે ક્યારે જીવનમાં પ્રવેશી જાય છે તમને સમજાતું પણ નથી. તમને ખબર નથી કે તમે ક્યારે આટલા સ્ટ્રૉન્ગ થઈ ગયા! પણ એની મેળે એ થઈ જતું હોય છે.’
પ્રેમે બનાવી મને પૉઝિટિવ
તમને જે પ્રેમ કરે તે તમે જેવા છો એવો જ તમારો સ્વીકાર કરે એ જ ખરો પ્રેમ. એટલે તમારો પાર્ટનર તમને બદલતો નથી, પરંતુ તમારો તેની પ્રત્યેનો પ્રેમ તમને બદલે છે. એ પ્રતીકની વાતમાં સૂર પૂરાવતાં તેની ઍક્ટ્રેસ પત્ની ભામિની ઓઝા ગાંધી કહે છે, ‘હું એક એવી છોકરી હતી કે જેને ખાવાનું બનાવવાનો કોઈ શોખ નહોતો પરંતુ પ્રતીકને ઘરનું ખાવાનું ખૂબ જ ભાવે. તે ઘરે જ બનાવેલું ખાવાનો આગ્રહી છે અને પ્રેમમાં તમને ચોક્કસ એવો ભાવ આવે કે તેને જે ગમતું હોય એ હું કરું. આજે હું ઘણું કુકિંગ કરતી થઈ ગઈ છું અને એ પણ ફક્ત એટલે કે પ્રતીકને ખૂબ ગમે છે. આવા ઝીણા-મોટા બદલાવ તો ઘણા આવે જીવનમાં પણ મુખ્ય બદલાવ એ છે કે પ્રતીક મારા જીવનમાં આવ્યો પછીથી હું ખૂબ પૉઝિટિવ થઈ ગઈ છું. પ્રેમ તમને શીખવે છે કે હું તારી સાથે છું, બધું ઠીક જ થશે. જીવનનો આ સાચો અભિગમ મારામાં પ્રેમ થકી જ કેળવાયો છે.’
આ પણ વાંચો: સ્ત્રીઓ ક્યાં સુધી ઇમોશનલ લેબરનો ભાર વેંઢારશે?
પ્રેમે શીખવ્યું છે જીવનમાં મને મોજનું મહત્ત્વ
જીવનના બધા જ રંગ તમારી પાસે હોય પણ પ્રેમ આવે એટલે તમારા જીવનમાં ગુલાલ આવે. પ્રેમનો રંગ એટલે ગુલાલ. આ ગુલાલ બાકીના બીજા રંગોને પણ બધું બ્રાઇટ કરે એવું જણાવતાં જાણીતા સિંગર પાર્થિવ ગોહિલ કહે છે, ‘હું ખૂબ જ ધીરગંભીર અને થોડો શરમાળ પ્રકૃતિનો માણસ હતો. જીવનને માણી લેવું, જીવી લેવું એવી વૃત્તિઓ મારામાં નહોતી, જે માનસી સાથે પ્રેમમાં પડીને હું શીખ્યો. મારા જીવનમાં માનસીએ એક ફન એલિમેન્ટ ઉમેર્યું જે પહેલાં નહોતું. પહેલાંનો પાર્થિવ ઘણો અંતર્મુખી હતો. વિચારતો કે સામેવાળાને કેવું લાગશે અને ઘણાખરા અંશે ડિપ્લોમૅટિક પણ હતો. પરંતુ માનસીના આવ્યા પછી હું બિન્દાસ જીવતાં શીખ્યો. હું માનું છું કે પ્રેમ તમને જીવનને ખરી રીતે માણતાં શીખવે છે. બે જણ ભલે એકબીજાથી સાવ જુદા હોય પરંતુ એ જુદાપણું પ્રેમ હેઠળ જાણે કે સાવ ઓગળી જતું હોય છે. જેનો સ્વીકાર પહેલાં જીવનમાં ક્યારેય કર્યો ન હોય એવી ઘણી બાબતો તમે હસતાં-હસતાં સ્વીકારો છો અને એ સહજ રીતે પ્રેમ થકી જ શક્ય બનતું હોય છે.’
પ્રેમને કારણે મારામાં આવી ઇમોશનલ સ્ટેબિલિટી
પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ખૂબ યુવાન વયે મળ્યાં હતાં એકબીજાને. એ સમયની વાત કરતાં સિંગર કમ ઍક્ટ્રેસ માનસી પારેખ ગોહિલ કહે છે, ‘એ ઉંમર એવી હતી કે બંને વચ્ચે પ્રેમ સિવાય બીજું કશું મહત્ત્વનું નહોતું. મેં એવું નહોતું વિચાર્યું ક્યારેય કે પાર્થિવ કેટલું કમાય છે કે તેની સાથે લગ્ન થશે તો કેવું જીવન અમે જીવીશું. અમે સાથે જ મૅચ્યોર થયાં. સાથે જ જીવનના પાઠ ભણ્યા. તેને મળ્યા પહેલાંની માનસી અતિ ઇમોશનલ હતી. હજી પણ છું, પણ પાર્થિવને કારણે એ ઇમોશન્સ ઘણાં સ્થિર થયાં. જે ડર કે ઇન્સિક્યૉરિટી મારા જીવનમાં હતી એ એને કારણે જતી રહી એટલું જ નહીં, આજે પણ હું કોઈ પણ જગ્યાએ અટવાઉં તો એ પહેલી વ્યક્તિ છે જેની પાસે હું મારા પ્રૉબ્લેમ્સ લઈને પહોંચી ગઈ હોઉં, કારણ કે એ હંમેશાં સાચી જ સલાહ આપે. હા, અમે બંને ઘણાં અલગ છીએ પણ પ્રેમ જ છે જે અમને જોડે છે અને અમારી વચ્ચેના આ ભેદને સરળતાથી સ્વીકારવાની તાકાત આપે છે.’
પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ ગોહિલ
સ્ત્રીઓને વધુ આદર આપતાં શીખવ્યું છે પ્રેમે
પુરુષો હંમેશાં અમુક પ્રકારના પ્રિવિલેજ સાથે જ જીવ્યા હોય છે પણ જ્યારે પ્રેમ જીવનમાં આવે અને એ પ્રેમને તમારા જીવનમાં લાવનારી સ્ત્રી જીવનમાં આવે ત્યારે એક સ્ત્રીને ઘણી નજીકથી સમજવાની આવડત પણ આવે એમ જણાવતાં જાણીતા ડિરેક્ટર ધીરજ પાલશેતકર કહે છે, ‘પ્રેમ તમને એક વ્યક્તિ તરીકે પણ ટ્રાન્સફૉર્મ કરે જ છે એ વાત ૧૦૦ ટકા સાચી. વળી આ બદલાવ એટલો મૅજિકલ હોય છે કે એ ક્યારે આવીને તમારી અંદર ઘર કરી જાય છે તમને ખબર પણ નથી હોતી. ભક્તિના આવવાથી મારા જીવનમાં પણ ટ્રાન્સફૉર્મેશન થયું છે. સ્ત્રીઓને હું નજીકથી સમજી શક્યો. તેમની સ્ટ્રગલ, તેમની ભાવનાઓ અને તેમના પ્રયત્નો પાછળના તેમના નિઃસ્વાર્થ પ્રેમને સમજી શક્યો. ઘરે મમ્મીને પહેલાં કહી દેતો કે મમ્મી, રસોઈ સારી નથી બની કે આમાં મીઠું ઓછું છે. હવે નથી કહેતો. ભક્તિના મારા જીવનમાં આવવાથી સ્ત્રીઓ અને તેમના કામ પ્રત્યેનું માન મારા જીવનમાં વધી ગયું છે.’
ધીરજ પાલશેતકર અને ભક્તિ રાઠોડ
હું તો ભયંકર રોમૅન્ટિક વ્યક્તિ છું અને પ્રેમ કર્યો તો એકદમ લૈલા-મજનૂ જેવો જ. આપણે ખુદને સમર્પણ કરી દઈએ એવો પ્રેમ. પરંતુ તું જેવી છે એવી જ બેસ્ટ છે અને એવી જ રહે એવો આત્મવિશ્વાસ મારા પ્રેમે મને આપ્યો. - ભક્તિ રાઠોડ, ઍક્ટ્રેસ
હું સંપૂર્ણ છું એ વાતને આત્મવિશ્વાસથી જીવતાં શીખવ્યું
સ્ત્રીઓ હંમેશાં પોતાની જાતને વધુ સારી બનાવવા મથતી હોય છે. બીજાની ચૉઇસ પ્રમાણે એ બદલતી રહેતી હોય છે. સમર્પણ તેના સ્વભાવમાં છે પરંતુ મારા પ્રેમે મને શીખવ્યું કે તું પૂર્ણ છે. તું જેવી છે એવી તારામાં બેસ્ટ છે અને તારે કોઈ માટે બદલવાની જરૂર નથી. એ વિશે વાત કરતાં ધીરજભાઈની ઍક્ટ્રેસ પત્ની ભક્તિ રાઠોડ કહે છે, ‘હું તો ભયંકર રોમૅન્ટિક વ્યક્તિ છું અને પ્રેમ કર્યો તો એકદમ લૈલા-મજનૂ જેવો જ. આપણે ખુદને સમર્પણ કરી દઈએ એવો પ્રેમ. પરંતુ તું જેવી છે એવી જ બેસ્ટ છે અને એવી જ રહે એવો આત્મવિશ્વાસ મારા પ્રેમે મને આપ્યો. મને તેણે એ અહેસાસ આપ્યો કે જે માળખામાં તું ઘડાઈ છે એ ઘડતર શ્રેષ્ઠ છે અને એમાં જ તું અતિ સુંદર છે. એક સ્ત્રી માટે આ પ્રકારનો આત્મવિશ્વાસ જન્મવો અઘરો છે. આ જરાય સ્વસ્તુતિની વાત નથી, ખુદના સ્વીકારની વાત છે. મારા પ્રેમે મને વધુ સારી માણસ બનાવી છે, જેનો મને ગર્વ છે.’