યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે સતત છઠ્ઠી વખત રેટકટ લાવતાં યુરોપમાં સોનાની ડિમાન્ડ વધી: મુંબઈમાં ચાંદી સતત પાંચમા દિવસે વધી : પાંચ દિવસમાં ચાંદી ૩૨૪૪ રૂપિયા ઊછળી
પ્રતીકાત્મક તસવીર
ચીનની સેન્ટ્રલ બૅન્કે ફેબ્રુઆરીમાં સતત ચોથા મહિને સોનાની ખરીદી ચાલુ રાખતાં વર્લ્ડ માર્કેટમાં સોનામાં મજબૂતી વધી હતી. ચીને ફેબ્રુઆરીમાં સોનાની રિઝર્વ ૭.૩૪૫ ઔંસથી વધારીને ૭.૩૬૧ ઔંસે પહોંચાડતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૯૨૪.૩૦ ડૉલરે પહોંચ્યું હતું. સાપ્તાહિક ધોરણે સોનું ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં બે ટકા વધતાં છેલ્લાં છ સપ્તાહનું સૌથી બેસ્ટ સપ્તાહ સોનાની તેજી માટે રહ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૬૪ રૂપિયા વધ્યો હતો. ચાંદી ચાલુ સપ્તાહના પાંચેય દિવસ વધી હતી જે ચાલુ સપ્તાહે ૩૨૪૪ રૂપિયા વધી હતી.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકોથી આયાત થતી ચીજો પર લગાડેલી પચીસ ટકા ટૅરિફમાંથી કેટલીક ચીજો બાકાત કરતાં વધુ રાહતની ધારણાએ ડૉલર ઇન્ડેક્સ ૧૦૪ પૉઇન્ટની ચાર મહિનાની નીચી સપાટીથી વધુ ઘટતો અટકીને ૧૦૪.૫થી ૧૦૪.૦૮ પૉઇન્ટની રેન્જમાં સ્ટડી રહ્યો હતો. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી ઑટો-પ્રોડક્ટ્સ પર લગાડેલી ટૅરિફ પણ એક મહિના માટે મુલતવી રાખી હતી.
અમેરિકાની એક્સપોર્ટ જાન્યુઆરીમાં ૧.૨ ટકા અને ઇમ્પોર્ટ દસ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં ટ્રેડ ડેફિસિટ ૧૩૧.૪ અબજ ડૉલરે પહોંચી હતી, જે ડિસેમ્બરમાં ૯૮.૧ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૨૭.૪ અબજ ડૉલરની હતી. ચીન, યુરોપિયન દેશો, સ્વિટ્ઝરલૅન્ડ, મેક્સિકો, વિયેટનામ અને કૅનેડા સાથેના ટ્રેડમાં ડેફિસિટ વધી હતી.
અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ૨૧,૦૦૦ ઘટીને ૨.૨૧ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૩૫ લાખની હતી. અગાઉના સપ્તાહે અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા એ લેવલથી ઘટાડો થયો હતો.
અમેરિકામાં લેબર પ્રોડક્ટિવિટી ચોથા ક્વૉર્ટરમાં ૧.૫ ટકા વધી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૯ ટકા વધી હતી પણ માર્કેટની ૧.૨ ટકા વધારાની ધારણા કરતાં વધુ વધી હતી. લેબર આઉટપુટ ૨.૪ ટકા વધ્યું હતું. ૨૦૨૪માં વાર્ષિક લેબર પ્રોડક્ટિવિટી ૨.૭ ટકા વધી હતી જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૨.૩ ટકા વધી હતી. અમેરિકામાં લેબરકૉસ્ટ ચોથા ક્વૉર્ટરમાં ૨.૨ ટકા વધી હતી જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ત્રણ ટકા વધી હતી.
ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ઈલૉન મસ્કની આગેવાની હેઠળ બનાવેલા ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી દ્વારા અનેક ગવર્નમેન્ટ કૉન્ટ્રૅક્ટ કૅન્સલ થતાં તેમ જ ટ્રેડ વૉરના ભયને કારણે અમેરિકન કંપનીઓમાં ફેબ્રુઆરીમાં ૧.૭૨ લાખ જૉબકટ નોંધાયા હતા જે છેલ્લા પંચાવન મહિનાના સૌથી વધુ હતા અને ફેબ્રુઆરી મહિનાના જૉબકટ છેલ્લાં ૧૬ વર્ષના સૌથી વધુ હતા.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨૬ મહિનાની નીચી સપાટીએ ૨.૫ ટકાએ પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે છેલ્લા ૧૧ મહિનામાં ઇન્ટરેસ્ટ રેટમાં આ છઠ્ઠો ઘટાડો કર્યો હતો. છેલ્લા ૧૧ મહિનામાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૪.૫ ટકાથી ઘટાડીને ૨.૫ ટકાએ પહોંચાડ્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનું ગ્રોથ પ્રોજેક્શન ૨૦૨૫ માટે ૦.૯ ટકા અને ૨૦૨૬ માટે ૧.૨ ટકા મુકાયું હતું, જ્યારે ઇન્ફલેશનનું પ્રોજેક્શન ૨૦૨૫ માટે ૨.૩ ટકા, ૨૦૨૬ માટે ૧.૯ ટકા અને ૨૦૨૭ માટેનું બે ટકા મુકાયું હતું. યુરો એરિયાના રીટેલ સેલ્સમાં જાન્યુઆરીમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ચીનની એક્સપોર્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨.૩ ટકા વધી હતી અને ઇમ્પોર્ટ ૮.૪ ટકા ઘટી હોવાથી ટ્રેડ સરપ્લસ વધીને ૧૭૦.૫૧ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયગાળામાં ૧૫૪.૮૮ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૪૨.૪ અબજ ડૉલરની હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
દરરોજ સવાર પડે ત્યારે ટ્રમ્પની ટૅરિફના નવા ન્યુઝ આવી પડે છે. ટૅરિફ લાગુ કરવાનો ભય દેખાડવો, ત્યાર બાદ ટૅરિફવધારો અમલી બનાવવો અને માત્ર એક-બે દિવસમાં ટૅરિફવધારો મુલતવી રાખવો આવો સિલસિલો સતત આગળ વધી રહ્યો હોવાથી હવે ટૅરિફવધારાનો ખોફ ધીમે-ધીમે ઓછો થતો જાય છે. સ્ટૉક, બુલિયન, એનર્જી અને ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ્સની માર્કેટ પણ હવે ટૅરિફવધારાની અસરથી ધીમે-ધીમે મુક્ત થવા લાગી હોવાથી દરેક માર્કેટના રિયલ ફન્ડામેન્ટ્સ હવે કામ કરવા લાગ્યા છે. સોના-ચાંદીના ભાવ પર પણ હવે ટૅરિફવધારાની અસર ઘટવા લાગી હોવાથી આગામી દિવસોમાં બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ફિઝિકલ ડિમાન્ડ, સેન્ટ્રલ બૅન્કોની ખરીદી, રેટકટ, ઇન્ફ્લેશન અને કરન્સી મૂવમેન્ટ પર ચાલશે. હાલ ડૉલર સતત ગગડી રહ્યો હોવાથી સોનાની તેજીને સપોર્ટ મળી રહ્યો છે, પણ જો વધુ ટૅરિફ-વધારો મુલતવી રહેશે તો ડૉલર મજબૂત થતાં સોના-ચાંદીમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૬,૦૫૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૭૧૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૬,૭૨૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

