ચાર વર્ષથી તેણે ખરા અર્થમાં નિરાંતની જિંદગી પસાર કરી લીધી છે. ખાવા માટે પોતે જ ઉગાડેલાં શાક અને ફળો હોય છે એટલે તેણે બીજે ક્યાંય જવાની કે કમાવાની જરૂર નથી પડતી.
૩૫ વર્ષના મિન હેન્કાઇ
ચીનના સિચુઆન પ્રાંતમાં રહેતા ૩૫ વર્ષના મિન હેન્કાઇ નામના ભાઈને બહુ નાની ઉંમરે જાણે જગતનું બ્રહ્મસત્ય લાધી ગયું હતું. તેણે છેલ્લાં ચાર વર્ષથી કામધંધો છોડી દીધો છે અને એક ગુફામાં રહેવા લાગ્યો છે. પહેલાં તે કૅબ-ડ્રાઇવર હતો. કૅબ ચલાવીને મહિને ૧૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ સવા લાખ રૂપિયા કમાઈ લેતો મિન ઘરે આવીને બહુ બેચેન રહેતો. પહેલાં ઘર લેવા માટે અને પછી લાઇફસ્ટાઇલ જાળવવા માટે તેણે બૅન્ક પાસેથી લોન લીધી હતી. આ લોનનું વ્યાજ ભરીને થાકી ગયેલા મિને એક દિવસ શહેરી જીવનનો ત્યાગ કરવાનું નક્કી કરી લીધું. જોકે તેના માથે દેવું બાકી હતું એટલે તેણે બૅન્કને પોતાનું ઘર વેચીને એમાંથી દેવું ભરપાઈ કરી લેવા કહી દીધું. તેના બાપદાદાના વખતથી એક જમીન પણ તેની પાસે હતી. તેની પાસે બે ચૉઇસ હતી કે એ જમીન પર જઈને ઘર બનાવીને રહેવું કાં તો કોઈ ગુફા હોય એવા પર્વત પાસે રહેવું. તેને લાગ્યું કે જાતે બનાવેલું હંગામી ઘર દરેક સીઝનમાં બરાબર ઠીક નહીં રહે એટલે તેણે પોતાની જમીનના બદલામાં એક ગુફા પાસે જેની જમીન હતી એ એક્સચેન્જ કરી લીધી. એ ગુફામાં મિનિમમ જરૂરિયાત સાથે તે રહે છે. ગુફાની બહારની જમીન પર તેણે શાકભાજી અને ફળો ઉગાડ્યાં છે અને એક હીંચકો બેસાડ્યો છે. આખો દિવસ તે ખેતરમાં કંઈક કામ કરે છે અને હીંચકા પર બેસીને પુસ્તકો વાંચતો રહે છે. રાતે ગુફામાં જઈને સૂઈ જાય છે. મિનનું કહેવું છે કે કામ કરવું, પૈસા કમાવા, સારી રીતે રહેવું, વધુ સુવિધાઓ ભોગવવી એ એક વિષચક્ર છે અને એનો સરવાળે કોઈ અર્થ નથી. ચાર વર્ષથી તેણે ખરા અર્થમાં નિરાંતની જિંદગી પસાર કરી લીધી છે. ખાવા માટે પોતે જ ઉગાડેલાં શાક અને ફળો હોય છે એટલે તેણે બીજે ક્યાંય જવાની કે કમાવાની જરૂર નથી પડતી.

