હુઆજિયાંગ ગ્રૅન્ડ કૅન્યન બ્રિજ ૬૨૫ મીટર ઊંચો અને ૨૯૦૦ મીટર લાંબો છે. આ બ્રિજ આગામી મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાવાનો છે
૩૩૬૦ ટન વજનની ભારેભરખમ ૯૬ ટ્રક દ્વારા ચીનમાં દુનિયાના સૌથી ઊંચા પુલનું પરીક્ષણ થયું
ચીનમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ તૈયાર થઈ ગયો છે. હુઆજિયાંગ ગ્રૅન્ડ કૅન્યન બ્રિજ ૬૨૫ મીટર ઊંચો અને ૨૯૦૦ મીટર લાંબો છે. આ બ્રિજ આગામી મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાવાનો છે ત્યારે એ પહેલાં એની ભારક્ષમતાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ જ્યારે ખુલ્લો મુકાશે ત્યારે બે રેકૉર્ડ તોડશે. એક તો એ પહાડી ક્ષેત્રમાં બનેલો વિશ્વનો સૌથી ઊંચો પુલ હશે. આ પુલ ખુલ્લો મુકાતાં ચીનના બે પ્રાંતો વચ્ચેની સફર બે કલાકને બદલે જસ્ટ બે જ મિનિટની થઈ જશે. વ્યાપારિક અને સામાજિક સ્તર પર આ બન્ને ક્ષેત્રો પર જબરદસ્ત પરિવર્તનકારી પ્રભાવ પડશે.
એ વિશ્વનો ઊંચો પુલ હોવા સાથે મજબૂતાઈમાં પણ કસોટીની એરણે ચડે એવો છે. એ માટે ગયા અઠવાડિયે પાંચ દિવસ માટે ભારે ટ્રકો દ્વારા એની સ્ટ્રેન્ગ્થનું પરીક્ષણ કરવામાં આવ્યું. ૩૩૬૦ ટનની ૯૬ ટ્રકને આ બ્રિજ પર ચોક્કસ સમૂહોમાં ઊભી રાખવામાં આવી હતી અને એ પછી પુલ, ટાવર, કેબલ અને સસ્પેન્ડરમાં લગાવેલાં ૪૦૦થી વધુ સેન્સર્સ મૉનિટર કરવામાં આવ્યાં હતાં જેથી વજનને કારણે પુલમાં થતા મામૂલી બદલાવો પણ નોંધી શકાય. દરેક રીતે આ બ્રિજ હવે ભારે વાહનો માટે સેફ સાબિત થઈ ગયો હોવાથી આગામી મહિને એ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.


