આકાશમાં વિવિધ પ્રકારની લાઇટ્સને ઝગમગતી કરીને ચોક્કસ શેપનાં પ્રાણીઓ, ઊંચાં બિલ્ડિંગો અને ચાઇનીઝ શબ્દોનું ફૉર્મેશન કરવામાં આવ્યું હતું. આ લાઇટ શો માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો
ચીનના ચૉન્ગકિંગ શહેરમાં તાજેતરમાં એક વિશાળ લાઇટ શોનું આયોજન થયું
ચીનના ચૉન્ગકિંગ શહેરમાં તાજેતરમાં એક વિશાળ લાઇટ શોનું આયોજન થયું હતું. આ માટે આકાશમાં વિવિધ પ્રકારની લાઇટ્સને ઝગમગતી કરીને ચોક્કસ શેપનાં પ્રાણીઓ, ઊંચાં બિલ્ડિંગો અને ચાઇનીઝ શબ્દોનું ફૉર્મેશન કરવામાં આવ્યું હતું. આ લાઇટ શો માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો. ૧૭ જૂનની રાતે ચૉન્ગકિંગ શહેરમાં ‘ચાર્મિંગ ચૉન્ગકિંગ’ ટાઇટલ સાથે લાઇટ શો યોજાયો હતો જેમાં ડ્રોનની મદદથી કાળા ડિબાંગ આકાશમાં ફૂલો ખીલ્યાં, ચીનની ઓળખ સમાન હાઇરાઇઝ બિલ્ડિંગો પણ રચવામાં આવ્યાં અને ચીની સંસ્કૃતિ માટે શુભ ગણાતાં હોય એવાં સિમ્બૉલ્સ પણ આકાશમાં બનાવવામાં આવ્યાં. આ માટે ૧૧,૭૮૭ ડ્રોનનો ઉપયોગ થયો હતો. એકસાથે આકાશમાં ખૂબ નાનાં-નાનાં ડ્રોન્સ છોડવામાં આવ્યાં હતાં જેમનું ઑલરેડી પ્રોગ્રામિંગ કરી લેવામાં આવ્યું હતું અને એ પ્રોગ્રામને રિમોટ કન્ટ્રોલ દ્વારા જમીન પરથી મૉનિટર કરવામાં આવ્યો હતો. ચીની સંસ્કૃતિથી પ્રેરિત વિશાળ પૅટર્ન વારાફરતી બનતી જતી હતી અને એ માટે એન્જિનિયરોએ મહિનાઓથી મહેનત કરી હતી. આ લાઇટ શો બરાબર કોઈ ગરબડ વિના થાય એ માટે નિષ્ણાતોએ કેટલીયે વાર રિહર્સલ્સ પણ કર્યાં હતાં. આ લાઇટ શો જોવા માટે એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા. આ શોનું આયોજન ડ્રોન ક્લસ્ટર કંપની દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય શોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં પણ સ્થાન મળ્યું હતું.


