તેનાં ચિત્રોમાં એક લાખથી લઈને દસ લાખ લેટર્સનો ઉપયોગ થાય છે. એની કેટલીક કૉપી પણ નીકળે છે જે ઓરિજિનલ કરતાં ઓછી કિંમતે વેચાય છે.
બ્રિટનનો જેમ્સ કુક નામનો આર્ટિસ્ટ
કમ્પ્યુટર અને સ્માર્ટફોનના જમાનામાં ખટ-ખટ અવાજ કરીને એક-એક અક્ષર ટાઇપ કરતા ટાઇપરાઇટિંગ મશીનનો ઉપયોગ તો હવે દુનિયામાં ભાગ્યે જ કોઈક કરતું હશે. જોકે એક આર્ટિસ્ટ છે જે ટાઇપરાઇટર પર લખતો નથી, ચિત્રો દોરે છે. ચિત્રો દોરવા માટે તો લાઇનો દોરવાની હોય? એ ટાઇપરાઇટરમાં કેવી રીતે શક્ય બને? એ શક્ય બનાવે છે વિવિધ સાઇઝના બોલ્ડ, નૉર્મલ, ઇટાલિક્સ, અન્ડરલાઇન્ડ લેટર્સ ટાઇપ કરીને બ્રિટનનો જેમ્સ કુક નામનો આર્ટિસ્ટ. તે પોતાને ટાઇપરાઇટર આર્ટિસ્ટ કહેવડાવે છે કેમ કે તેનાં ચિત્રો પીંછી કે પેન્સિલથી નથી દોરાતાં. તે ચિત્રો દોરવા માટે અલગ-અલગ પ્રકારનાં ટાઇપરાઇટર્સનો ઉપયોગ કરે છે. તેનાં ચિત્રોમાં એક લાખથી લઈને દસ લાખ લેટર્સનો ઉપયોગ થાય છે. એની કેટલીક કૉપી પણ નીકળે છે જે ઓરિજિનલ કરતાં ઓછી કિંમતે વેચાય છે.
જેમ્સ કુકની ખાસિયત એ છે કે તે ચિત્રો દોરવા માટે જે-તે સ્થળની મુલાકાત લે છે. જેમ કે ન્યુ યૉર્ક સ્ક્વેરનું ચિત્ર દોરવાનું હોય કે લંડનનીબિગ બેનનું, જે-તે જગ્યાએ જઈને તે પોતાનું ટાઇપરાઇટર લઈને બેસી જાય છે. એક ચિત્રને કૅન્વસ પર ઉતારવામાં તેને પચાસથી ૫૦૦ કલાક જેટલો સમય લાગી શકે છે. એનું કારણ એ છે કે પહેલાં તો તે જે દૃશ્યને કાગળ પર ઉતારવું છે એનો રફ સ્કેચ મનમાં દોરીને એની એક ઍલ્ગરિધમ તૈયાર કરે છે. જેમ હાથસાળમાં કપડું વણતાં પહેલાં વિવિધ રંગના તારોની ગોઠવણી કરવામાં આવે છે એમ ટાઇપિંગ પહેલાં આખું ચિત્ર તે મનમાં વિઝ્યુઅલાઇઝ કરીને ઍલ્ગરિધમ ગોઠવે છે. એ મુજબ ચોકસાઈ સાથે ટાઇપિંગ થાય; દરેક ડિઝાઇન માટે કયા અક્ષરો, કયાં સિમ્બૉલ્સ કઈ રીતે વાપરવામાં આવે તો ચોક્કસ ચિત્રનો શેપ રચાય એ નક્કી કરવામાં જેમ્સભાઈની માસ્ટરી છે.

