આ મચ્છર ડેન્ગી, ઝિકા અને ચિકનગુનિયાથી બચાવશે
૧૯ જુલાઈએ ખૂલેલી આ ફૅક્ટરીમાં ૩૫૦૦ સ્ક્વેરમીટરના ક્ષેત્રમાં ૭૦ કર્મચારીઓ કામ કરે છે
મચ્છર ન થાય અને થયા હોય તો મારી નાખવા માટે આપણે ત્યાં અનેક દવાઓ પ્રચલિત છે. એનું કારણ એ છે કે મચ્છરથી અનેક રોગો ફેલાય છે. જોકે બ્રાઝિલમાં એનાથી સાવ જ ઊંધું થઈ રહ્યું છે. બ્રાઝિલના કુરિતિબા શહેરમાં મચ્છર પેદા કરવાની ફૅક્ટરી છે. અહીં મચ્છર પેદા કરવામાં આવે છે. અલબત્ત, આ મચ્છર ડેન્ગી, ઝિકા અને ચિકનગુનિયા જેવા વાઇરસને રોકી શકે એવા ખાસ બૅક્ટેરિયાથી સંક્રમિત હોય છે. વૉલ્બેકિયા નામના બૅક્ટેરિયાથી સંક્રમિત આ મચ્છરો જ્યારે શહેરમાં છોડવામાં આવશે અને એ નૉર્મલ મચ્છર સાથે મળીને પ્રજનન કરશે તો એનાથી પેદા થતી નવી પેઢીના મચ્છરો આ વાઇરસ ફેલાવવાની ક્ષમતા ખોઈ દેશે.
કીટનાશક કે સ્પ્રેનો ઉપાય એટલો અસરકારક નથી રહ્યો ત્યારે આ નવો પ્રયોગ પ્રાકૃતિક છે અને એનાથી મચ્છરને દુશ્મન માનીને એનો ખાતમો પણ નથી થતો. મચ્છરોની પ્રજાતિ ટકશે, પરંતુ એનાથી ફેલાતા વાઇરલ ચેપો અટકી જશે. બ્રાઝિલના સંશોધકોનો દાવો છે કે એનાથી દર વર્ષે ૧.૪ કરોડ લોકો જીવલેણ વાઇરલ ચેપનો ભોગ બને છે જે આ બૅક્ટેરિયલ શીલ્ડને કારણે અટકશે. વૉલ્બેકિયા બૅક્ટેરિયા એક કુદરતી બૅક્ટેરિયા છે જે પૃથ્વી પરના ૬૦ ટકા કીટકોમાં જોવા મળે છે. એ બૅક્ટેરિયાની અંદર વાઇરસનો ગ્રોથ અટકાવી દે છે. ફૅક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા આ બૅક્ટેરિયા ધરાવતા મચ્છરોને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયે ૮ શહેરોમાં આ પ્રયોગ કરીને અત્યાર સુધીમાં ૫૦ લાખ લોકોને વાઇરલ ચેપથી સંક્રમિત થતા બચાવ્યા હોવાનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
૧૯ જુલાઈએ ખૂલેલી આ ફૅક્ટરીમાં ૩૫૦૦ સ્ક્વેરમીટરના ક્ષેત્રમાં ૭૦ કર્મચારીઓ કામ કરે છે અને દર અઠવાડિયે ૧૦ કરોડ મચ્છરોનાં ઈંડાં તૈયાર થાય છે. ઑટોમેશન મશીનથી ઈંડાંને બૅક્ટેરિયાથી સંક્રમિત કરવામાં આવે છે અને ખાસ ગાડી દ્વારા હૉટસ્પૉટ ગણાતા વિસ્તારોમાં છોડી દેવાય છે.


