ઇંગ્લૅન્ડના લેક ડિસ્ટ્રિક્ટમાં એની પહેલી ફ્લાઇટ યોજાઈ હતી

આનંદ મહિન્દ્રના મતે ઊડી શકાય એવા સૂટ રેસ્ક્યુ ઑપરેશનમાં થશે મદદરૂપ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર ટ્વિટર પર ઘણી વખત મનોરંજક તથા માહિતીપ્રદ વસ્તુઓ શૅર કરતા હોય છે. તાજેતરમાં તેમણે ભવિષ્યમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઊડીને જઈ શકાય એવો એક જેટ સૂટનો વિડિયો શૅર કર્યો હતો. તેમના મતે મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરનાર નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ને આ સૂટ ઘણો કામ આવી શકે. વિડિયોમાં એક વ્યક્તિ આ જેટ સૂટ પહેરીને નીચેથી ઉપરના પહાડી ક્ષેત્રમાં જઈ શકે છે. આ સૂટમાં જેટ એન્જિન અને એનું નિયંત્રણ કરવાનું બટન હોય છે. આ સૂટ ગ્રેવિટી ઇન્ડસ્ટ્રીઝ અને ગ્રેટ નૉર્થ ઍર ઍમ્બ્યુલન્સ સર્વિસ વચ્ચેના સહયોગનો પ્રોજેક્ટ છે. માણસનું ઊડવાનું જે સપનું હતું એ આ પ્રોજેક્ટ પૂર્ણ કરે છે. વળી મુશ્કેલીના સમયમાં પર્વતીય પ્રદેશમાં તરત સહાય પહોંચાડવામાં સહાય કરે છે. ઇંગ્લૅન્ડના લેક ડિસ્ટ્રિક્ટમાં એની પહેલી ફ્લાઇટ યોજાઈ હતી. એક યુઝરે કહ્યું કે પહાડી વિસ્તારમાં બચાવ-કામગીરી માટે આ બહુ ઉપયોગી થઈ શકે છે. તો અન્ય યુઝરે કહ્યું કે ભારતીય સેનાને કારગિલ, લેહ લદાખ અને ઊંચા પહાડોમાં પૅટ્રોલિંગ માટે ખૂબ ઉપયોગી છે. ત્રીજા યુઝરે કહ્યું કે દુર્ગમ પ્રદેશો, અચાનક પૂર, વાદળ ફાટવા તેમ જ ઊંચાં સ્થળોએ આગ, બંજી જમ્પિંગ, કેબલ કાર ઑફર કરતા ઝિપલાઇનર્સ ટૂરિસ્ટ સ્પૉટ અને અન્ય ઘણાં સ્થળોએ અકસ્માત વખતે આ સૂટ ઘણો કામ લાગી શકે છે.