દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચા છે અને દરેક ક્ષેત્રમાં હ્યુમનૉઇડ્સ અને AI પગપેસારો કરી રહ્યાં છે ત્યારે આલ્બેનિયાના વડા પ્રધાને તો કૅબિનેટમાં AI આધારિત વર્ચ્યુઅલ પ્રધાન સામેલ કરી લીધાં છે. આ વર્ચ્યુઅલ પ્રધાનનું નામ છે ડિએલા.
આલ્બેનિયાએ કૅબિનેટમાં સામેલ કર્યાં AI આધારિત વર્ચ્યુઅલ પ્રધાન
દુનિયાભરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચા છે અને દરેક ક્ષેત્રમાં હ્યુમનૉઇડ્સ અને AI પગપેસારો કરી રહ્યાં છે ત્યારે આલ્બેનિયાના વડા પ્રધાને તો કૅબિનેટમાં AI આધારિત વર્ચ્યુઅલ પ્રધાન સામેલ કરી લીધાં છે. આ વર્ચ્યુઅલ પ્રધાનનું નામ છે ડિએલા. આલ્બેનિયન ભાષામાં એનો અર્થ થાય છે સૂરજ. આ ડિજિટલ પ્રધાન છે જેનું કામ સરકારી ફન્ડિંગથી ચાલતા પ્રોજેક્ટ્સની નિગરાની કરવાનું છે. પબ્લિક ટેન્ડર્સમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે ત્યાંના વડા પ્રધાન એ. ડી. રામાએ આ ઉપાય કર્યો છે. તેમનો દાવો છે કે હવે તમામ ટેન્ડર્સ ૧૦૦ ટકા કરપ્શન-ફ્રી હશે.
થોડા મહિના પહેલાં ઈ-આલ્બેનિયા નામના સરકારી ડિજિટલ પ્લૅટફૉર્મ પર વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ તરીકે ડિએલાને લૉન્ચ કરવામાં આવી હતી. આ પ્રધાન પારંપરિક આલ્બેનિયન કૉસ્ચ્યુમ પહેરીને યુઝર્સને સરકારી સેવાઓ વિશે જાણકારી આપે છે.
કાનૂની વિશેષજ્ઞોનું કહેવું છે કે AI પ્રધાન ડિએલાનો સત્તાવાર હોદ્દો અને તેની સંવિધાનિક હેસિયત વિશે હજી અનેક સવાલો છે ત્યારે તેને કૅબિનેટમાં સ્થાન આપ્યું એમ કહેવાનું વહેલું ગણાશે. જોકે રામા સરકારનું કહેવું છે કે આ પ્રયોગ માત્ર ભ્રષ્ટાચાર પર લગામ માટે જ નહીં, ડિજિટલ ગવર્નન્સને નવી ઓળખ આપવા માટે પણ ખૂબ મહત્ત્વનો પુરવાર થશે.


