કોર્ટે તેમના છૂટાછેડા મંજૂર તો કરી જ દીધા, પરંતુ બન્ને પર દસ-દસ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો
ફાઇલ તસવીર
લગ્ન એક એવું બંધન છે જેમાં જોડાવું સહેલું છે પણ છૂટવાનું બહુ જ અઘરું. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં માત્ર ૬૫ દિવસ જ સાથે રહેલા એક યુગલ વચ્ચેના ૧૩ વર્ષના ઝઘડાનો અંત આણ્યો હતો. કોર્ટે તેમના છૂટાછેડા મંજૂર તો કરી જ દીધા, પરંતુ બન્ને પર દસ-દસ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. છૂટાછેડાની સાથે દંડ? તો દંડનું કારણ હતું બન્નેએ પરસ્પર પર ઠોકેલા કેસોની સંખ્યા. ૧૩ વર્ષમાં યુગલે અલગ-અલગ કોર્ટ અને મુદ્દાઓ પર એકમેક પર લગભગ ૪૦થી વધુ કેસ ઠોક્યા હતા. બન્ને એકમેક પર આરોપ લગાવીને ખોટા પુરવાર કરવામાંથી જ ઊંચા નહોતા આવ્યા. સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો કે હવે પછી તેઓ એકમેક પર કોઈ કેસ નાખી નહીં શકે. નવાઈની વાત એ છે કે આ યુગલ એક દંપતી તરીકે માત્ર ૬૫ દિવસ જ સાથે રહેલું. એ પછીનાં ૧૩ વર્ષ બન્નેએ એકબીજા માટે લડવામાં જ કાઢ્યાં છે. પત્નીએ પતિ પર જોરજુલમના આરોપ લગાવ્યા હતા. ઉત્તર પ્રદેશની ફૅમિલી કોર્ટથી લઈને હાઈ કોર્ટમાં અનેક કેસ તેમની સામે હતા. આખરે હાઈ કોર્ટનો એક કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ મનમોહબની બેન્ચે આ કેસ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘આ બન્ને માટે કોર્ટ એ લડાઈનું મેદાન બની ગયું છે અને ન્યાયવ્યવસ્થા પર એનો બોજ પડી રહ્યો છે. બન્ને પર આ માટે દસ-દસ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવે. જ્યારે પતિ-પત્નીમાં તાલમેલ ન હોય અને બન્ને એકબીજા પર આરોપબાજી કરતા રહે તો કોઈનું ભલું નથી થતું. તેમનો દરેક કેસ બદલો લેવા માટે હોય એવું લાગે છે. કોર્ટનું કામ પતિ-પત્નીના અંગત ઝઘડા નિપટાવવાનું નથી.’


