જેલમાંથી છૂટ્યા પછી લૉ ભણ્યા, મદ્રાસ હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરશે
એ. જી. પેરારિવલન
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સંડોવણી બદલ જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી એવા એ. જી. પેરારિવલન ૩૧ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ છૂટ્યા હતા. હવે તેઓ કાયદાનો અભ્યાસ કરીને વકીલ બન્યા છે અને કેદીઓને સહાય કરવા માટે પ્રૅક્ટિસ કરશે. ૨૦૨૨ની ૧૮ મેએ સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૨નો ઉપયોગ કરીને તેમને મુક્ત કર્યા હતા. બાર કાઉન્સિલ ઑફ તામિલનાડુ અને પૉન્ડિચેરીમાં તેમણે વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૫૪ વર્ષના પેરારિવલને ૨૭ એપ્રિલે વકીલનો પોશાક પહેર્યો હતો અને હવે તેઓ મદ્રાસ હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરવાની યોજના ધરાવે છે. પેરારિવલને કહ્યું હતું કે ‘મારું ધ્યેય ક્રિમિનલ લૉયર બનવાનું નથી, મારું મુખ્ય ધ્યાન કેદીઓને કાનૂની સહાય પૂરી પાડવા પર રહેશે. જેલમાં હજારો લોકો કેદ છે જેમની પાસે કાનૂની સહાય નથી. ગરીબ લોકોને ન્યાય મળે એ માટે હું કામ કરીશ.’
૧૯ વર્ષની ઉંમરે જેલમાં
ADVERTISEMENT
૧૯ વર્ષની ઉંમરે ૧૯૯૧માં પેરારિવલનની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર હત્યામાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક ઉપકરણ માટે ૯ વૉલ્ટ બૅટરી પૂરી પાડવાનો આરોપ હતો. ૧૯૯૮માં તેમને ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (TADA-ટાડા) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ૧૯૯૯માં યથાવત્ રાખી હતી. ૨૦૧૪માં તેમની દયાની અરજીના નિર્ણયમાં વિલંબને કારણે તેમની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. ૩૧ વર્ષ જેલમાં રહ્યા પછી તેમને ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટની કલમ ૧૪૨ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા.
જેલમાં અભ્યાસ પૂરો કર્યો
જેલમાં પેરારિવલને ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખ્યું હતું. તેમણે તામિલનાડુ ઓપન યુનિવર્સિટીના ડિપ્લોમા કોર્સમાં ટોચનું સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ૨૦૧૨માં ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં ૧૨૦૦માંથી ૧૦૯૬ માર્ક મેળવીને કેદીઓમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. સેન્ટ્રલ જેલમાંથી તેમણે ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા કમ્પ્યુટર ઍપ્લિકેશન્સમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી અને કમ્પ્યુટર ઍપ્લિકેશન્સમાં માસ્ટર્સ ડિગ્રી તેમ જ ૭ અન્ય ડિપ્લોમા પ્રોગ્રામ પૂરા કર્યા હતા, જેમાંથી કેટલાક તેમણે ફાંસીની સજા દરમ્યાન પૂરા કર્યા હતા. ૨૦૨૨માં જેલમાંથી છૂટ્યા બાદ તેમણે બૅન્ગલોરની ડૉ. બી. આર. આંબેડકર લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને ૨૦૨૫માં ઑલ ઇન્ડિયા બાર પરીક્ષા પાસ કરી હતી. લાંબા કાનૂની સંઘર્ષે તેમને કાયદાનો અભ્યાસ કરવા માટે પ્રેરણા આપી જેથી ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલા અન્ય લોકોને મદદ કરી શકાય.
