૧૫૦ ગામોમાં પંખીઓના સંરક્ષણ માટે બનાવી છે યુવાનોની ટોળકી જે રોજ ગામની ભાગોળે અનાજ અને પાણીની છાબડીઓ મૂકી આવે છે. ગામની ભાગોળે ફરીને પંખીઓ માટે ચણ અને પાણી ભરવાના કામમાં દરેક ગામના યુવાનની એક ટુકડી વારાફરતી રોજ બે કલાક કામ કરે છે.
દાણાની ઢગલીઓ અને પાણી પીવાની માટીની છાબડીઓ લટકાવતાં લોકો
કાળઝાળ ગરમીમાં પંખીઓની હાલત પણ ખરાબ થઈ જાય છે, પરંતુ ગામમાં પંખીઓનો કલબલાટ ટકી રહે એ માટે બિહારના જમુઈ જિલ્લાનાં ગામોમાં એ માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. પંખીપ્રેમીઓએ પોતાના ગામની બહાર અને જ્યાં-જ્યાં પણ મોટાં વૃક્ષો છે ત્યાં-ત્યાં રોજ દાણાની ઢગલીઓ અને પાણી પીવાની માટીની છાબડીઓ વૃક્ષની ડાળીએ લટકાવવાનું શરૂ કર્યું છે. આ કામ માત્ર એકાદ ગામમાં થાય છે એવું નથી. જમુઈ જિલ્લાનાં લગભગ ૧૫૦ ગામોના યુવાનો પંખીઓ માટે પાણી અને અનાજની વ્યવસ્થા કરવા લાગ્યા છે. આ પ્રથા કયા ગામથી શરૂ થઈ એ ખબર નથી, પરંતુ ગરમીની સીઝનમાં અબોલ પંખીઓનો કલરવ શાંત થઈ જાય છે અને ગામ જાણે ભેંકાર થઈ જાય છે એ જોઈને કેટલાક યુવાનોએ વૃક્ષોના છાંયામાં પાણીની છાબડીઓ રાખવાનું શરૂ કરેલું. આસપાસનાં ગામોમાં પણ આવું થતું હોવાથી દરેક ગામવાસીએ પોતપોતાના વિસ્તારમાં અનાજ-પાણી રાખવાનું કામ આપમેળે ઝડપી લીધું હતું. નોકરી કરવા જતા યુવાનોથી લઈને ભણવા જતા કિશોરોને પણ આ કામમાં રસ પડવા લાગ્યો છે. ગામની ભાગોળે ફરીને પંખીઓ માટે ચણ અને પાણી ભરવાના કામમાં દરેક ગામના યુવાનની એક ટુકડી વારાફરતી રોજ બે કલાક કામ કરે છે.


